નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો અને એમને નવા વર્ષ 2020ના આરંભ નિમિત્તે શુભેચ્છા આપી હતી.
મોદીએ ટ્રમ્પ, એમના પરિવાર તથા અમેરિકાની જનતાને માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે પણ ભારતની જનતાને નવા વર્ષ માટે સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપી હતી.
ભારત સરકારે બહાર પાડેલા નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદીએ ફોન કરીને ટ્રમ્પ સાથે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલી મજબૂતી આવી છે અને વ્યૂહાત્મક ભાગીદારી કેટલી બધી ગાઢ બની છે તે વિશે વાતચીત કરી હતી.
પ્રમુખ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા તથા પરસ્પર હિતનાં વિસ્તારોમાં સહકાર વધારવાની ઈચ્છા પણ વડા પ્રધાન મોદીએ વ્યક્ત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા અમુક વર્ષોમાં ભારત-અમેરિકાના સંબંધોમાં હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને દ્વિપક્ષી સહકારને વધારે ગાઢ બનાવવાની એમની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો હતો.