નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી G-7 ગ્રુપ અને ક્વોડ સહિત ત્રણ મુખ્ય બહુપક્ષી શિખર સંમલનોમાં ભાગ લેવા માટે શુક્રવારે જાપાન, પાપુઆ, ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની યાત્રાએ જશે, એમ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી.
વડા પ્રદાન વિદેશ પ્રવાસના પહેલા તબક્કામાં 19 મેથી 21 મે સુધી જાપાનના શહેર હિરોશિમાની મુલાકાત લેશે, જ્યાં વિશ્વના વિકસિત અર્થતંત્રોવાળા દેશોના ગ્રુપ G-7ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમ્યાન મોદી G-7 સેશનોમાં ભાગીદાર દેશોની સાથે શાંતિ, સ્થિરતા અને પૃથ્વીની સમૃદ્ધિ તથા ખાદ્યાન્ન, ખાતર અને ઊર્જા સુરક્ષા જેવા વિષયો પર વિચારો પ્રગટ કરશે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે મોદી જાપાનથી પોર્ટ મોરેસ્બીની મુલાકાત લેશે, જ્યાં તેઓ 22 મેએ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારપેની સાથે સંયુક્ત રૂપે ફોરમ ફોર ઇન્ડિયા-પેસેફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC)ના ત્રીજા શિખર સંમેલનની યજમાની કરશે.
કોઈ પણ ભારતીય વડા પ્રધાનની પાપુઆ ગિનીની આ પહેલી યાત્રા છે. વર્ષ 2014માં શરૂ કરવામાં આવેલા FIPICમાં ભારત અને 14 પ્રશાંત દ્વીપ દેશ સામેલ છે.
વડા પ્રધાન ત્રીજા અને અંતિમ તબક્કામાં મોદી ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 22થી 24 મે સુધી સિડનીમાં રહેશે. ક્વાડ શિખર સંમેલનમાં યજમાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીસ રહેશે. આ સંમેલનમાં આમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને જાપાની વડા પ્રધાન કિશિદા ફુમિયો પણ સામેલ રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર મોદી કિશિદાની સાથે દ્વિપક્ષી બેઠક પણ યોજશે.