નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉનના ચોથા તબક્કાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. આ તબક્કો 31 મેએ પૂરો થશે. એ જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઈન્ડિયા રેડિયો પરથી એમના માસિક કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. એવી અપેક્ષા રખાય છે કે વડા પ્રધાન મોદી એ દિવસે કોરોના અને લોકડાઉન મુદ્દાઓ પર દેશની સ્થિતિ વિશે ચર્ચા કરશે.
આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે વડા પ્રધાન મોદીએ ‘નમો એપ’ અને ‘My GOV’ વેબસાઈટ પર સૂચનો મગાવ્યા છે. કોરોના-લોકડાઉન મામલે ભાવિ વ્યૂહરચના માટે મોદીએ જનતા પાસે સૂચનો મગાવ્યા હોય એવું મનાય છે.
‘મન કી બાત ’માં તમારાં સૂચનો મોકલો
મોદી જ્યારે પણ દેશને લઈને કોઈ મોટો નિર્ણય કરવાના હોય છે, એ વખતે તેઓ દેશના નાગરિકો પાસેથી સૂચનો મગાવે છે. જો તમે ‘મન કી બાત’માં તમારાં સૂચનો આપવા માગતા હો તો 1800-11-7800 ફોન નંબર પર પોતાની વાત રેકોર્ડ કરાવી શકો છે.
મોદીની ચેતવણી
આ પહેલાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ લોકોને ‘દો ગજ કી દૂરી’ બનાવી રાખવાનો સંદેશ આપ્યો હતો અને લોકોને એમના ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું તમને વધુપડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની વિનંતી કરું છું. આપણે ક્યારેય એવો વિચાર ના કરવો જોઈએ કે અમારા શહેર, ગામ કે અમારી ગલીમાં કોરોના આવી જ ન શકે. તેમણે કહ્યું છે કે વિશ્વનો અનુભવ જણાવી રહ્યો છે અને આપણા ત્યાં તો વારંવાર કહેવામાં આવે છે કે કે ‘સાવધાની હટી, દુર્ઘટના ઘટી.’