સંત તુકારામનું મંદિર ભક્તિ-આધારનું કેન્દ્ર છેઃ પીએમ-મોદી

દેહૂ (પુણે જિલ્લો, મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે જગદ્દગુરુ સંત શ્રી તુકારામ મહારાજના શિળા (શિલા-પથ્થર) મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે એમણે કહ્યું કે, ‘તુકોબા (તુકારામ)નું શિળા મંદિર ભક્તિ અને આધારનું કેન્દ્ર છે. સંત તુકારામે અભંગો લખીને દેશને શક્તિ પ્રદાન કરી છે. આ શિળા મંદિર તુકારામના ત્યાગ અને સમર્પણનું પ્રતિક  છે. સંત તુકારામે લખેલા અભંગ અનેક પેઢીઓના માર્ગદર્શક છે.’

મોદીએ તુકારામ મંદિરમાં જ ભગવાન શ્રી રામના મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. ત્યારબાદ નવા બાંધવામાં આવેલા મુખ્ય મંદિરમાં જઈને સંત તુકારામના દર્શન કર્યા હતા.

સંત તુકારામ વારકરી સંપ્રદાયના સંત અને કવિ હતા. એમણે ભક્તિરસમય કવિતાઓ (જે અભંગ તરીકે પ્રખ્યાત છે) અને ધાર્મિક ગીતો (કિર્તન) દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. એમના અભંગ આજના જમાનામાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એમના ભક્તિ ગીતોમાં ચાર હજારથી વધારે રચના છે. તુકારામ દેહૂમાં રહ્યા હતા. એમના નિધન બાદ એક શિળા મંદિર બાંધવામાં આવ્યું હતું, પરંતુ એને ઔપચારિક રીતે મંદિરના રૂપમાં વિકસિત કરી શકાયું નહોતું. એ મંદિરને વ્યવસ્થિત રીતે બાંધવામાં આવ્યું છે અને આજે વડા પ્રધાન મોદીએ એનું લોકાર્પણ કર્યું.

સંત તુકારામે જે કાળી શિલા પર બેસીને 13 દિવસ સુધી ધ્યાનધારા કરી હતી એ શિલાને સમર્પિત કરવામાં આવી છે. તુકારામે જે શિલા પર બેસીને ભક્તિપદો રચ્યા હતા તે જ જગ્યાએ વારકરી સંપ્રદાયે તુકારામનું ભવ્ય મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ દેહૂના મુખ્ય મંદિરમાં જ એ શિલાનું સ્થાપન કરાવ્યા બાદ મંદિરને શિળા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તુકારામ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એમને વૈષ્ણવ ધર્મમાં આસ્થા હતી. 1630ની સાલની આસપાસ વિસ્તારમાં પડેલા ભયંકર દુકાળમાં તુકારામના પત્ની અને પુત્રના નિધન બાદ તુકારામ અભંગ ભક્તિ તરફ વળ્યા હતા. તે દ્વારા એમણે સામાજિક વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને અવગુણોને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા.

વડા પ્રધાન મોદીનું આજે દેહૂ નગરમાં હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત તુકારામ પહેરતા એવી પાઘડી અને ઉપરણું પહેરાવીને એમનો સત્કાર કરવામાં આવ્યો હતો.

મોદીએ શિળા મંદિરનું ઉદઘાટન કરવાનો મોકો મળ્યો એને પોતાનું સદ્દભાગ્ય ગણાવ્યું હતું. એમણે કહ્યું, સંતોનાં વિચારોમાંથી એમને કાયમ ઉર્જા પ્રાપ્ત થાય છે. સંત તુકારામના પાલખી માર્ગનું કામ ત્રણ તબક્કામાં પૂરું કરાશે. એ માટે કેન્દ્ર સરકાર રૂ. 11,000 કરોડનું ભંડોળ આપશે.

(તસવીર સૌજન્યઃ PIB Mumbai)