નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે. બાઇડનને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખના શપથ લીધા હતા. એ પછી બંને દિગ્ગજ નેતાઓની આ પહેલી મુલાકાત હશે. જોકે બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ્સ થઈ ચૂકી છે. એ પહેલાં મોદી 23 સપ્ટેમ્બરે વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે.
બાઇડન-હેરિસ ભારતની સાથે ગ્લોબલ ભાગીદારીને નવા મુકામ પહોંચાડવા ઇચ્છે છે. અમે ઇચ્છીએ છીએ કે હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં આવ-જાને સરળ બનાવવામાં આવે. કોરોના રોગચાળાને ખતમ કરવા માટે બંને દેશો સહયોગ આપવાનું જારી રાખશે. ક્લાયમેન્ટ ચેન્જ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર બંને નેતાઓમાં વાતચીત થશે, એમ અધિકારીએ કહ્યું હતું.
વડા પ્રધાન મોદીએ બાઇડનને 17 નવેમ્બર, 2020ને ફોન કરીને રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. એ પછી બંને નેતાઓની વચ્ચે આઠ ફેબ્રુઆરી અને 26 એપ્રિલે ફોન પર વાતચીત થઈ હતી. મોદી સપ્ટેમ્બર, 2019માં છેલ્લી વાર અમેરિકાની મુલાકાતે ગયા હતા, જ્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે બંને દેશોના નેતાઓ મુલાકાત કરશે. એમાં જાપાનના વડા પ્રધાન સુગા અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન પણ ભાગ લેશે. ક્વાડની મીટિંગમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. એમાં નવી ટેક્નોલોજી, સાઇબર સિક્યોરિટી, સમુદ્ર સુરક્ષા માનવીય સહાયતા અને ડિઝેસ્ટર મેનેજમેન્ટ સહિત અનેક મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવશે.