PM મોદીએ UP ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યું

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીનું ઉદઘાટન કર્યું હતું. તેઓ લખનઉમાં રૂ. 80,000 કરોડથી વધુની 1406 પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ દરમ્યાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ્યમાં રૂ. 70,000 કરોડના મૂડીરોકાણની ઘોષણા કરી હતી. વડા પ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.

વડા પ્રધાનના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના CM યોગીએ કહ્યું હતું કે હજી કેન્દ્ર સરકારની સફળતાનાં આઠ વર્ષ પૂરાં થયાં છે. ફેબ્રુઆરી, 2018માં વડા પ્રધાને પહેલી  ઇન્વેસ્ટર સમિટ કરી હતી, ત્યારે અમને રૂ. 4.68 લાખ કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવ પ્રાપ્ત થયા હતા. આ કાર્યક્રમમાં રૂ. 80,000 કરોડના પ્રોજેક્ટોનો શિલાન્યાસ થઈ રહ્યો છે.

આ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ યુપીમાં આવનારા સમયમાં અદાણી ગ્રુપ રૂ. 70,000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મૂડીરોકાણથી આશરે 30,000 લોકોને નોકરીઓ મળશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે આજે મને બે મહાન નેતાઓ (PM મોદી અને CM યોગી)ની સાથે મળવાની તક મળી છે, જેઓ ભારતને નવું ભારત બનાવવના સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ સમૂડીરોકાણ સમીટમાં આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે અમે પ્રદેશમાં રૂ. 40,000 કરોડનું મૂડીરોકાણ કરીશું, જેમાં આશરે 35,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે.