ઓલિમ્પિક-સંઘનાં સભ્યો લાલ કિલ્લા ખાતે હાજર રહેશે

નવી દિલ્હીઃ આવતી 15 ઓગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતેના ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેવાનું ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભાગ લેનાર તમામ ભારતીય એથ્લીટ્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે. આમ, દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને ભારતીય ઓલિમ્પિક સ્પર્ધકો વધુ ઝગમગાવી દેશે. તમામ ટોક્યો ઓલિમ્પિક ખેલાડીઓને ત્યારબાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાને આવવાનું પણ વડા પ્રધાને આમંત્રણ આપ્યું છે. ત્યાં વડા પ્રધાન મોદી એથ્લીટ્સને વ્યક્તિગત રીતે મળશે અને એમની સાથે વાતચીત કરશે.

ભારતીય ઓલિમ્પિક સંઘે દેશના ઓલિમ્પિક ગેમ્સ ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે – 7 ચંદ્રકો જીત્યાં છે. આમાં એક સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે જે ગઈ કાલે નીરજ ચોપરાએ જેવેલીન થ્રો રમતમાં જીત્યો હતો. ભારતના બે રજત ચંદ્રક જીતનાર છેઃ મીરાબાઈ ચાનુ (મહિલા વેઈટલિફ્ટિંગ) અને રવિકુમાર દહિયા (પુરુષ કુસ્તી-57 કિ.ગ્રા.). ચાર કાંસ્ય ચંદ્રક અપાવનાર છેઃ પી.વી. સિંધુ (મહિલા બેડમિન્ટન), લવલીના બોર્ગોહેન (મહિલા બોક્સિંગ), પુરુષ હોકી ટીમ અને બજરંગ પુનિયા (પુરુષ કુસ્તી 65 કિ.ગ્રા.) ચંદ્રકોની યાદીમાં ભારત 48મા ક્રમે છે.