ત્રાસવાદીઓને-સહાયઃ કશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીના નેતાઓ પર NIAના દરોડા

શ્રીનગરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ) દ્વારા ત્રાસવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં મોટા પાયે સપાટો બોલાવ્યો છે. તેના અમલદારોએ આ પ્રદેશમાં હાથ ધરેલા અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં જમ્મુ-કશ્મીર પોલીસ તથા કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ના જવાનોની સાથે મળીને ત્રાસવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડવાના એક કેસના સંબંધમાં આ કેન્દ્રશાસિત પ્રદેશના 14 જિલ્લાઓમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી સંગઠનના 45 સ્થળોએ દરોડા પાડ્યા છે.

જમ્મુ-કશ્મીરમાં અલગતાવાદી પ્રવૃત્તિઓ કરતા હોવાને કારણે અને પાકિસ્તાન તરફી હોવાને કારણે જમાત-એ-ઈસ્લામી સંગઠન પર કેન્દ્ર સરકારે 2019માં પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં આ સંગઠનની દેશવિરોધી પ્રવૃત્તિઓ વધી ગઈ હોવાથી NIAના અધિકારીઓએ તેના નેતાઓના રહેઠાણો પર દરોડા પાડ્યા છે. આ દરોડા શ્રીનગર, બડગામ, ગંડેરબાલ, બારામુલ્લા, કુપવાડા, બાંદીપોર, અનંતનાગ, શોપિયાં, પુલવામા, કુલગામ, રામબન, ડોડા, કિશ્તવાર, રાજૌરી જિલ્લાઓમાં પાડ્યા છે.