ગોલ્ડમેડલ વિજેતા નીરજ ચોપરા પર ઈનામોનો વરસાદ

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020માં 7 ઓગસ્ટ, શનિવારે ભાલાફેંક (જેવેલીન થ્રો) રમતમાં સુવર્ણ ચંદ્રક જીતીને નીરજ ચોપરાએ ખેલકૂદ મહાકુંભ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું. હરિયાણા રાજ્યના પાણીપત શહેરના રહેવાસી અને 23 વર્ષના નીરજ ચોપરાએ 87.58 મીટર દૂર સુધી ભાલો ફેંકીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સ હરીફાઈઓમાં ભારતે આ પહેલો જ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ હરીફાઈના રજત અને કાંસ્ય, બંને ચંદ્રક ચેક રિપબ્લિકના એથ્લીટ્સે જીત્યા હતા. નીરજ ટ્રેક એન્ડ ફિલ્ડ રમતો માટેની અન્ડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ જેવેલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ સિદ્ધિ બદલ નીરજ પર અભિનંદન અને રોકડ ઈનામોનો વરસાદ વરસી રહ્યો છે.

હરિયાણાની સરકાર નીરજને રોકડ ઈનામ રૂપે રૂ. 6 કરોડ આપશે તો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નીરજ માટે રૂ. એક કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી છે. પંજાબ સરકારે નીરજ માટે રૂ. 6 કરોડના ઈનામની જાહેરાત કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ નીરજને રૂ. એક કરોડ આપશે.

નીરજ ચોપરા ભારતીય સેનામાં સુબેદાર રેન્ક ધરાવે છે અને જુનિયર કમિશન્ડ ઓફિસર પદે છે. લશ્કરી વડા જનરલ મનોજ નરવણેએ કહ્યું છે કે નીરજે હાંસલ કરેલી સિદ્ધિથી સમગ્ર ભારતીય આર્મી ગર્વની લાગણી અનુભવે છે.

નીરજ ફેશનનો પણ શોખીન છે. એના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી જાણી શકાય છે કે એ ભારતીય તથા વેસ્ટર્ન, એમ બંને પ્રકારના પોશાક પહેરવાનો શોખીન છે. સોશિયલ મિડિયા પર નીરજના 9 લાખથી વધારે ફોલોઅર્સ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]