કશ્મીર, અરૂણાચલપ્રદેશ અંગે ચીનના વાંધાવચકાને પીએમ મોદીએ ફગાવ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ને એક મુલાકાત આપી હતી. એમાં તેમણે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમને એક સવાલ એ પૂછવામાં આવ્યો હતો કે, ચીન G20 સમૂહનું સભ્ય છે પણ પાકિસ્તાન સભ્ય નથી. આ બંને દેશે G20 શિખર સંમેલન અંતર્ગત કશ્મીરમાં યોજવામાં આવેલા કાર્યક્રમો અંગે વાંધો ઉઠાવ્યો છે અને કશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ તરીકે ઓળખાવ્યો છે. ચીને તો વળી અરૂણાચલ પ્રદેશ ઉપર ભારતના સાર્વભૌમત્વ સામે પણ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. તો આ વિશે તમારું શું માનવું છે?  તેના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘આ સવાલ ત્યારે ઉચિત ગણાત જો આપણે કશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં G20 બેઠકો યોજી ન હોત. આપણો દેશ વિશાળ, સુંદર અને વિવિધતામાં એકતાથી સભર છે. હાલ આપણા દેશના દરેક ભાગમાં G20 સંમેલનો યોજાઈ રહ્યા છે એ કુદરતી જ કહેવાય. ભારતના યજમાનપદની મુદત પૂરી થશે ત્યારે આપણો દેશ તમામ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના 60 શહેરોમાં 220થી વધારે G20 બેઠકો યોજી ચૂક્યું હશે. 125 દેશોના એક લાખથી વધુ સહભાગીઓ ભારતના લોકોનું કૌશલ્ય નિહાળશે.’

ઉલ્લેખનીય છે કે, ભારત હાલ એક વર્ષ માટે G20 દેશોના શિખર સંમેલનો માટેનું યજમાનપદ ધરાવે છે. ગઈ 22 મેથી શ્રીનગરમાં ત્રણ દિવસ માટે G20 વર્કિંગ ગ્રુપના સભ્યોની પર્યટન વિષય પર બેઠક યોજવામાં આવી હતી. તે કાર્યક્રમમાં ચીનને બાદ કરતાં તમામ G20 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એવી જ રીતે પ્રતિનિધિઓએ ગયા માર્ચમાં અરૂણાચલ પ્રદેશમાં આયોજિત બેઠકમાં પણ ભાગ લીધો હતો.