પાકે. તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, જાન્યુઆરીમાં અત્યાર સુધી 134 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન

શ્રીનગર- કશ્મીર સરહદે ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારત પણ ફાયરિંગ કરી રહ્યું છે. બન્ને પક્ષ તરફથી કરવામાં આવતા ફાયરિંગને કારણે સરહદ પર વાતાવરણ ઘણું તણાવપૂર્ણ બની ગયું છે.જે પ્રમાણે આંકડાઓ મળી રહ્યાં છે તે જોતાં હાલના દિવસોમાં થયેલાં યુદ્ધવિરામના ઉલ્લંઘને જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનનો છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે 21 જાન્યુઆરીના આંકડા પ્રમાણે પાકિસ્તાને 134થી વધુ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં કુલ 860, વર્ષ 2016માં 271 અને વર્ષ 2015માં 387 વખત પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જર્સ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર સતત ફાયરિંગ કરી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો ભારતની જવાબી કાર્યવાહીમાં 200થી વધુ આતંકી પણ ઠાર મરાયાં છે. જ્યારે કશ્મીર સરહદે ભારતના 61 સૈનિકો શહીદ થયાં છે.

ગત ચાર દિવસમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ, LoC, જમ્મુના કેટલાક જિલ્લાઓ ઉપરાંત કઠુઆ, સાંબા તેમજ પૂંછ સેક્ટરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં 11 લોકોના મોત થયાં છે. જેમાં ભારતના 6 નાગરિક, સેનાના 3 જવાન અને BSFના 2 જવાનનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાને સંયુક્ત રીતે LoC પર શાંતિ જાળવી રાખવા યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અને સરહદ નક્કી કરવા એકસાથે કામ કરવા સહેમતી વ્યક્ત કરી હતી. જોકે પાકિસ્તાને યુદ્ધવિરામનો ક્યારેય અમલ કર્યો નથી અને સતત તેનું ઉલ્લંઘન કરતું રહ્યું છે.