જો તમે કોઇ પણ સામાન્ય નોકરી કરો છો. અઠવાડિયાંના 5 કે 6 દિવસ તનતોડ મહેનત કરો છો. તો સ્વાભાવિક રીતે તમે એક દિવસ એ મહેનતનું ફળ પ્રમોશનરુપે મળશે તેવી આશા પણ રાખતાં હશો. પણ ઘણીવાર તમારી આટલી મહેનત અવગણવામાં આવી હોય તેવું લાગે છે. ત્યારે સવાલ એ થાય કે આટલી મહેનતનું પરિણામ નથી મળતું તો શું બોસને આ મહેનત દેખાતી નહીં હોય?
બિલકુલ સાચું, બોસને મહેનત ન દેખાતી હોય શકે. અને એનું કારણ છે તમે પોતે. તમે પોતે જ તમારા હાવભાવ-બોડી લેંગ્વેજથી એવું કહો છો બોસને. લાગ્યોને ઝટકો. મહેનતની સાથે તમારા ઓફિસ મેનર્સ અને ઓફિશિયલ બોડી લેંગ્વેજ પણ એટલી જ ઇફેક્ટિવ છે તમારા પ્રભાવમાં. અજાણતાં જ આપણે ઓફિસમાં કેટલીય એવી વસ્તુઓ કરીએ છીએ, કેટલીય એવી હરકતો કરીએ છીએ જે આપણી મહેનત પર પાણી ફેરવી દે છે. જેમ કે, વારંવાર અદબ વાળવી, તમારી ખુરશી પર ઢળીને બેસવું, ફોનનો વધુ ઉપયોગ કરવો. આ બધી વસ્તુઓ ઘરમાં કે તમારા મિત્રોની સામે કરો તો કોઇ મોટી વાત નથી. પણ ઓફિસમાં આવી હરકતો તમારી કાર્યદક્ષતા પર સવાલ ઉભા કરીને તમને અસમર્થ ચીતરે છે. જો કે ખબર નથી એટલે આવી ભૂલ થઇ શકે, પણ આ ભૂલ કરિઅર માટે જોખમી છે. તો આ ભૂલથી બચવા જાણીએ આવી કેટલીક વાતો જે ઓફિસમાં ન કરવી જોઇએ.
સૌથી પહેલાં ક્યારેય તમારી સીટ પર તમે ઢળીને કે વળીને નહીં બેસવું. કારણ કે તેનાથી તમારી જાણ વિના જ તમારી આળસ સામેવાળાને દેખાશે. તમારી મહત્તા તેનાથી ઓછી થતી જશે. બને એટલા સીધા બેસવાનું રાખવું, ઉભા રહો ત્યારે પણ સીધા પોસ્ચરમાં રહેવું. તેનાથી તમે તમારા કામમાં 100 ટકા પરોવાયેલા હોવાનું દેખાય છે.
આંખોની હલચલ પણ બોડી લેંગ્વેજમાં મહત્વની છે. ક્યારેય વારંવાર ઘડિયાળ તરફ નહીં જોવું ઓફિસમાં. જો તમે કોઇની સાથે વાત કરો છો કામને લઇને અથવા બોસ સાથે વાત ચાલી રહી છે ત્યારે આઇ કોન્ટેક્ટ કરવો પણ જરુરી છે. તેનાથી તમારી સીરીયસનેસ દેખાય છે. આ ઉપરાંત કોઇ સહકર્મી અને ખાસ કરીને ઉપરી અધિકારી સાથે વાત કરતાં સમયે ક્યારેય તમારી આંખોને ફરાવવી નહીં, નહીંતર સામેવાળાને લાગશે કે તમે નીરસતા દાખવો છો.
આવી જ ઇમ્પ્રેશન તમારા પગ ક્રિસ ક્રોસ કરવાથી પણ પડે. તમને કદાચ લાગે કે તે કુલ જેસ્ચર છે પણ ઓફિસમાં મિટીંગ દરમિયાન કે બધાંની વચ્ચે તમારી આ બોડી લેંગ્વેજ તમને જીદ્દી દર્શાવે છે. જે તમારી ઇમેજને નુકસાન કરશે. હા, પણ આ પ્રકારે તમે તમારી કેબિન કે ક્યુબિકલમાં કરો તો તેનાથી કોઇ નુકસાન નહીં થાય અલબત્ત થોડુ રિલેક્સ થઇને કોઇ અઘરા કામમાં જોતરાવવાની વધુ ક્ષમતા મળશે. એટલે બધાંની સામે આવું નહીં કરવું એટલું ધ્યાન રાખવું.
આ સિવાય એક મહત્વની વાત છે. તમારી ફ્રેન્ડલીનેસ. જેના પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે. જો તમે ઓફિસમાં કોઇ કર્મચારીની વધારે નજીક જાઓ છો તો તમે તેની સ્પેસમાં ઘૂસણખોરી કરી ગણાશે. આપણે ઘણીવાર નથી કહેતા કે માથે બેસીને કે માથે ચઢીને કામ કરાવે છે. એનો મતલબ એવો નથી કે એ માણસ ખરેખર આપણાં માથે ચઢી ગયો હોય, આનો મતલબ એ જ છે કે સામેવાળાની જગ્યામાં તમે ભાગ પડાવ્યો. એટલે બને ત્યાં સુધી કોઇની પણ સાથે કોમ્યુનિકેશન કરો ત્યારે 4થી 8 ફૂટનું અંતર હંમેશા રાખવું.
અંતર જાળવવાની સાથે પોતાની સ્થિતિ મજબૂત રાખવાનુ ધ્યાન રાખવું પણ જરૂરી છે. કહેવાનો અર્થ એમ કે કોઇ તમને એરાગેરા નથ્થુખેરા સમજીને ન જાય તેનુ ધ્યાન રાખવું. એને માટે સૌથી મહત્વનું છે પ્રોપર હેન્ડ શેક. જો તમે કોઇની સાથે હાથ મિલાવો ત્યારે તેની આંખોમાં આંખ મિલાવી, હાથની પકડ થોડી મજબૂત રાખવી. જો કે એટલી પણ કડક પકડ નહીં રાખવાની કે સામેવાળાનો હાથ ખેંચાઇને તમારા હાથમાં આવી જાય. હાથની મજબૂત પકડ સામેવાળા સમક્ષ તમારી ઇમેજ પણ સ્ટ્રોંગ બનાવે છે. સ્ટ્રોંગ ઇમેજ બનાવવા મજબૂત હેન્ડ શેક તો કરશો તમે પણ જો તેની સાથે તમે ઓફિસમાં ટચાકા ફોડવા, વાળ સાથે રમવું, નખ ચાવવા, જેવા નર્વસ હાવભાવ દર્શાવશો તો બધા કરેલા પર પાણી ફરી વળશે. એટલે તેના પર પણ ખાસ ધ્યાન રાખવું. ઘણી વાર મિટીંગમાં પ્રેઝન્ટેશન કરતા સમયે આપણે હાથને વધુ હલાવીએ છીએ. વધુ પડતા રીએક્શન પણ ન આપવા. કારણ કે તમારી ઉત્તેજના દર્શાવતી આ હરકતો તમારી કેપેબિલીટીને ઝાંખી પાડી દે છે.
મીટીંગમાં કે પ્રેઝન્ટેશન વખતે ઘણા લોકો હોય છે. જ્યારે તમે એવા રૂમમાં પ્રવેશો ત્યારે અભિવાદન કરવું પણ એટલું જ જરુરી છે. એનાથી તમારી હાજરીની નોંધ લેવાય છે.
હવે આ બધામાં સૌથી મહત્વનું એક કામ જે ક્યારેય ઓફિસમાં ન કરવું. અને એ છે મોબાઇલ મચડવો. વારે વારે મોબાઇલનો ઉપયોગ કરવાનુ ટાળવું અને એમાં પણ મીટીંગ દરમિયાન તો ક્યારેય મોબાઇલ નહીં વાપરવો. અને કોઇ અરજન્ટ કોલ હોય તો મેનર્સફુલ માફી માંગીને પછી મેસેજ છોડી દેવો. અને ત્યાર બાદ મીટીંગ પૂર્ણ થાય ત્યારે વાત કરવી. વિશ્વાસ રાખજો, આવું કરશો તો તમારી ઇમ્પ્રેશન તમારા ઉપરી સામે ખરેખર સીન્સીયર દેખાશે.
ઉપરી સિવાય તમારા સહકર્મચારી સાથે પણ હંમેશા સ્માઇલ સાથે વાત કરવી. સ્માઇલ તમારી એક આકર્ષક ઇમ્પ્રેશન બનાવે છે. તમારા હાવભાવ, તમારી ભાષા કરતા વધારે તમારો પરિચય આપે છે.
સર્વે અનુસાર તમારી આસપાસના લોકો 55 ટકા તમારા હાવભાવથી તમારા વિશે નક્કી કરતા હોય છે. ચલો પહેલાં તો ખબર ન હતી, પણ હવે તો ખબર છે ને કે ઓફિસમાં શું ન કરવું અને શુ કરવું. તો ધ્યાન રાખજો. પછી જુઓ બોસ પણ જોશે કે તમારામાં કેટલુ કેલિબર છે.