GTU ડિઝાઇન એન્જીનિયરિંગના ઓનલાઇન-ઓફલાઇન કોર્સ શરુ કરશે

અમદાવાદ- ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા ડિઝાઇન એન્જીનિયરિંગના વિવિધ ઓનલાઇન અને ઓફલાઇન કોર્સ શરૂ કરશે વિદ્યાર્થીઓમાં ડિઝાઇન, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા ઇનોવેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનઆઇ.આર.એફ સાથે જીટીયુના કરાર કરવામાં આવ્યાં છે. ડિઝાઇન થિંકિંગ ભવિષ્યના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આ બાબતના કરાર કરવામાં આવ્યા હતા. જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ નવીન શેઠે જણાવ્યું હતું કે આ કરારનો હેતુ એન્જીનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડિઝાઇન એન્જીનિયરિંગના ગુણો કેળવવાનો છે. આ કરારની મદદથી ડિઝાઇન એન્જીનિયરિંગના વિવિધ ઓનલાઇન અને ઓફલાઇન કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં મેસીવ ઓપન ઓનલાઇન કોર્સનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ સ્ટાર્ટ-અપ અને પેટન્ટ વિશે અને તેને લગતા પ્રોજેક્ટો કરતા થાય તેના માટેની ઈકોસિસ્ટમ વિકસાવવા આ કરાર કરવામાં આવ્યા છે. ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન(આઇ.આર.એફ) તરફથી જાણીતા ડિઝાઇન નિષ્ણાત રોહિત સ્વરૂપ અને જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. શૈલેષ પંચાલે કરાર પર સહીસિક્કા કર્યા હતા.

જીટીયુના સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન(ઓપન ડિઝાઇન સ્કૂલ) તરફથી પ્રાધ્યાપકોને ડિઝાઇન એન્જીનિયરિંગની તાલીમ આપવા ૪૬મો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૮૫ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. ડિઝાઇન એન્જિનિયરિંગના માધ્યમથી આરોગ્ય, ટ્રાફિક, સ્વચ્છતા, પાર્કિંગ, બીઆરટીએસ સહિતની વિવિધ સમસ્યાઓ હલ કરવા માટેના મોડેલ્સ વિકસાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ડિઝાઇન થિંકિંગને લગતા વર્કશોપમાં 3000થી વધુ પ્રોફેસરોને તાલીમ અપાઇ ચૂકી છે.