અમેરિકાની પાકિસ્તાનને સ્પષ્ટ વાત, તાલિબાની નેતાઓને દેશમાંથી કાઢો

ઈસ્લામાબાદ- અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે, પાકિસ્તાનમાં રહેલા એવા તાલિબાની નેતાઓની ધરપકડ કરવામાં આવે અથવા તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવે જેઓ અફઘાનિસ્તાન સરહદે આતંકી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં છે. જેથી પાકિસ્તાનમાં ચાલતી આતંકી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય.આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પર કરવામાં આવેલા આતંકી હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી હતી. આ હુમલામાં 22થી વધુ લોકોના મોત થયા હતાં. ઘટનાના એક દિવસ બાદ અમેરિકા તરફથી ઉપરોક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે સંવાદદાતા સમ્મેલનમાં જણાવ્યું કે, ‘અમેરિકાએ પાકિસ્તાનને તાલિબાની નેતાઓ પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું છે, જેથી આ આતંકી સમૂહ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે કરે નહીં’.

વધુમાં સારા સેન્ડર્સે જણાવ્યું કે, કાબુલની હોટલ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. નાગરિકો પર કરવામાં આવતા આ પ્રકારના હુમલા નિંદનીય છે અને તે અમેરિકાને તેના સહયોગી દેશ અફઘાનિસ્તાન પ્રતિ તેના સહાયતાના સંકલ્પને પૂર્ણ કરવા વધુ મજબૂત બનાવશે. સારાએ જણાવ્યું કે, ‘અફઘાન સેના દ્વારા કરવામાં આવેલી ત્વરિત અને પ્રભાવશાળી કાર્યવાહીની અમેરિકા પ્રશંશા કરે છે. અમેરિકાના સહયોગથી અફઘાન સૈનિકો દુશ્મનોને હાંકી કાઢશે જે વિશ્વમાં આતંકનો ડર ફેલાવી રહ્યાં છે.