નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 10મા દિવસે બંગલાદેશ હિંસા સહિત તમામ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ હવે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી સાસંદ બંધારણના આર્ટિકલ 67(B) હેઠળ સભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
સભાપતિ જગદીપ ધનખડેની વિરુદ્ધ સમાજવાદી પાર્ટી અને TMC પણ અવિશ્વાસની તરફેણમાં છે. આ બંને પક્ષોના સાંસદોએ સભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને એના પર 70 સભ્યોએ હસ્તાક્ષર કરી દીધા છે.
વળી, સોમવારે રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે હંગામા દરમ્યાન સભાપતિ જગદીપ ધનખડેના વલણને જોતાં કોંગ્રેસ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.
સત્તારૂઢ NDAના સભ્યોએ કોંગ્રેસ અને એના નેતાઓ પર વિદેશી સંગઠનો અને લોકોના માધ્યમથી દેશની સરકાર, અર્થતંત્રને અસ્થિર કરવના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. NDAના સાંસદોએ આ મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે PM મોદી અને સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ?
અવિશ્વાસ શબ્દનો અર્થ કોઈ પણ પદ પર બેઠેલી વ્યક્તિને તે પદની તમામ સત્તાઓ અને જવાબદારીઓથી હટાવવાનો નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પ્રક્રિયા છે. બંધારણની કલમ 61, 124 (4), (5), 217 અને 218માં તેનો ઉલ્લેખ છે. મહાભિયોગ પ્રસ્તાવ ત્યારે જ લાવી શકાય છે જ્યારે બંધારણનું ઉલ્લંઘન, ગેરવર્તણૂક અથવા અસમર્થતા સાબિત થાય. નિયમો અનુસાર સંસદના કોઈ પણ ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. જોકે તેને લોકસભામાં રજૂ કરવા માટે, 100 સાંસદોની સહીઓની જરૂર છે, જ્યારે તેને રાજ્યસભામાં રજૂ કરવા માટે 50 સાંસદોની સહીઓની જરૂર છે.
