નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે જે લોકો હકીકતનો અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકતા નથી તેઓ કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે અને નિડર નેતાઓને કોંગ્રેસમાં લાવવા જોઈએ. પાર્ટીના સોશિયલ મિડિયા વિભાગના પદાધિકારીઓ સાથે ડિજિટલ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ઉપર મુજબનું વિધાન કરતી વખતે જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું કે જે લોકો ડરી ગયા હતા એ લોકો કોંગ્રેસમાંથી ચાલ્યા ગયા છે. સિંધિયાને એમનો મહેલ અને પૈસા બચાવવા હતા, એ ડરી ગયા હતા એટલે આરએસએસ પાસે જતા રહ્યા.
રાહુલે વધુમાં કહ્યું કે, એવા ઘણા લોકો છે જે ડરતા નથી, પરંતુ કોંગ્રેસની બહાર છે, એ બધા આપણા છે. આપણે એમને આપણી પાર્ટીમાં લાવવા જોઈએ. પરંતુ જે લોકો ડરી ગયા છે એમણે આપણી પાર્ટી છોડી દેવી જોઈએ. આ બધા આરએસએસના માણસો છે અને એ બધા કોંગ્રેસમાંથી બહાર જવા જોઈએ. આપણને એ લોકો ગમતાં નથી, આપણને એમની જરૂર પણ નથી. આપણે નિડર લોકોની જરૂર છે. આ જ આપણી વિચારધારા છે.