નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને વેચી દીધી એ પહેલાં સરકારી અધિકારીઓ માટે એર ઈન્ડિયાના વિમાન દ્વારા જ પ્રવાસ કરવાનું ફરજિયાત હતું. પરંતુ હવે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરી દેવાતાં તેની આ ઈજારાશાહીનો અંત આવી ગયો છે. હવે સરકારી અધિકારીઓ-કર્મચારીઓ એમને ટિકિટ ઉપલબ્ધ હોય તે એરલાઈનના વિમાન દ્વારા પ્રવાસ કરી શકશે.
કેન્દ્રીય નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયોને સૂચના આપી છે કે તેઓ એર ઈન્ડિયા સાથે એમના બાકી રહેલા તમામ પેમેન્ટ પૂરૈ કરી દે, કારણ કે હવે સરકારી અધિકારીઓને એર ઈન્ડિયાની ફ્લાઈટની ટિકિટ ખરીદવા માટે અપાતી ક્રેડિટ સુવિધાને એર ઈન્ડિયાએ બંધ કરી દીધી છે. હવેથી સરકારી અધિકારીઓ કોઈ પણ સેક્ટર પર વિમાન પ્રવાસ કરવા માટે માત્ર એર ઈન્ડિયા પર નિર્ભર રહ્યા નથી. આમ, એર ઈન્ડિયાએ મોટો ગ્રાહક વર્ગ ગુમાવ્યો છે. ટાટા ગ્રુપે રૂ. 18,000 કરોડમાં એર ઈન્ડિયાને ભારત સરકાર પાસેથી ખરીદી લીધી છે. ભારતમાં આઠ એરલાઈન્સ વિમાન સેવા ચલાવે છે. એર ઈન્ડિયા ઉપરાંત વિસ્તારા, એર એશિયા, સ્પાઈસજેટ, ગો ફર્સ્ટ, ઈન્ડીગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એલાયન્સ એર.