રાજ્યોએ CBI-તપાસની સહમતી પરત ખેંચતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે CBI તપાસને મુદ્દે સહમતી રાજ્યો દ્વારા પરત લેવાને મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આઠ રાજ્ય સરકારો- ખાસ કરીને બિનભાજપી રાજ્ય સરકારોએ રાજ્યોમાં તપાસ કરવા માટે સહમતી નહીં આપવાને મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ અનિચ્છનીય સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત રાજ્યોન અને હાઇકોર્ટને નોટિસ જારી કરતાં આ મામલો CJIની પાસે મોકલી આપ્યો હતો.

મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરળ અને મિઝોરમે પોતાનાં રાજ્યોમાં CBI તપાસની આમ સહમતી પરત ખેંચી લીધી છે. આ રાજ્યોનો આરોપ છે કે ભાજપ શાસિત કેન્દ્ર દ્વારા CBIનો રાજકીય દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને CBIનો રાજકીય ઉપયોગ પ્રતિશોધ માટે કરવામાં આવે છે. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ એમએમ સુંદરેશની બે જસ્ટિસોની ખંડપીઠે આ મામલો CJI એનવી રમનાની માસે મોકલી આપ્યો હતો. તપાસ એજન્સી CBIએ કોર્ટને જાણ કરી હતી કે એણે જૂન, 2018થી જૂન, 2021 સુધી આઠ રાજ્યોને  પોતપોતાનાં રાજ્યોમાં  કેસની તપાસ માટે વિશેષ મંજૂરી માટે 150 અરજી કરવામાં આવી હતી. આઠ રાજ્યોમાં CBIની તપાસની સહમતી પરત લીધી હતી, જેમાં 78 ટકા કેસોની તપાસ માટેની સહમતી હજી બાકી છે અને માત્ર 18 ટકા કેસોમાં સહમતી આપવામાં આવી છે. આ મુદ્દા ત્યારે સામે આવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે 2018ના જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના આદેશની સામે CBIની અપીલ 542 દિવસોના વિલંબ પછી અરજી દાખલ કરવામાં આવી હતી.  એ પછી સુપ્રીમ કોર્ટે એ જોતાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે એ એક સારી સ્થિતિ નથી.