ભાજપ-વિરોધી ગઠબંધન વિશે શરદ પવારનું મહત્ત્વનું નિવેદન

નાગપુરઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સંભવિત ભાજપ-વિરોધી ગઠબંધનની આગેવાની કોણ લેશે એ મુદ્દો મહત્ત્વનો નથી. જરૂર છે દેશની જનતાને એની ઈચ્છા મુજબનો એક રાજકીય વિકલ્પ આપવાની. અને એટલા માટે જ અમે એવા ઘણા પક્ષોનો ટેકો લઈશું જેઓ જનતાની ઈચ્છા પૂરી કરી શકે. ગઠબંધનના મુદ્દા પર અમે સંસદના આગામી સત્ર વખતે ચર્ચા કરીશું. ‘શું ભાજપ-વિરોધી ગઠબંધનની આગેવાની પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી લઈ શકે એમ છે?’ એવા પત્રકાર પરિષદમાં પૂછાયેલા સવાલના જવાબમાં પવારે ઉપર મુજબ જણાવ્યું હતું.

નાગપુર વિદર્ભ ચેંબર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પવારે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના અમરાવતી તથા અન્ય સ્થળોએ હાલમાં થયેલા હિંસક બનાવો ઘણા કમનસીબ કહેવાય. આવી હિંસા વખતે દુકાનદારો અને વેપારીઓ ટાર્ગેટ બની જતા હોય છે. એમને વળતર આપી શકાય એ માટે સરકારે કોઈક નીતિ ઘડવી જોઈએ.