પટનાઃ બિહારમાં સત્તારૂઢ ગઠબંધન એનડીએની રવિવારે બેઠક મળી હતી, જેમાં નીતીશકુમારને સર્વસંમતિથી એનડીએ વિધાનસભ્યોના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. નીતીશકુમાર બિહારના સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે. આ શપથગ્રહણ સમારોહ સોમવાર યોજાય એવી શક્યતા છે. જોકે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ માટે સસ્પેશન બનેલું છે. આ પહેલાંની નીતીશ સરકારમાં ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદે સુશીલકુમાર મોદી હતા. જોકે આ વખતે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ માટે સુશીલ કુમાર મોદીનું પત્તું કપાય એવી સંભાવના છે. તેમને કદાચ કેન્દ્રમાં લઈ જવામાં આવે એવી શક્યતા છે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ એનડીએની આ મહત્ત્વની બેઠકમાં સામેલ થયા હતા. પટનામાં મુખ્ય પ્રધાન નીતીશકુમારના નિવાસસ્થાને આ બેઠક થઈ હતી. ભાજપની પાસે એનડીએમાં સૌથી વધુ 74 વિધાનસભ્યો છે, જ્યારે જેડીયુની પાસે 43 વિધાનસભ્યો છે. આ ઉપરાંત સહયોગી પક્ષો હમ અને વીઆઇપી પાસે 4-4 સીટો છે.
નીતીશકુમાર નિર્વિરોધ નેતા તરીકે ચૂંટાઈ આવ્યા પછી એનડીએના નેતા રાજભવન જવા રવાના થયા હતા. ત્યાં તેમણે નવી સરકારની રચના કરવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતીશકુમારને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શપથગ્રહણ સમારોહ સોમવારે થવાની શક્યતા છે. પ્રધાનમંડળમાં ભાજપ અને જેડીયુમાંથી કોના વધુ પ્રધાનો હશે, એના પર સ્પષ્ટતા નથી થઈ. જોકે ટૂંક સમયમાં પ્રધાનમંડળને લઈને સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પહેલાં પટનામાં ભાજપ અને જેડીયુ વિધાનસભ્યોની અલગ-અલગ બેઠકો થઈ. એનડીએ બેઠકમાં ભાજપ, જેડીયુ, સહયોગી પક્ષો હમ અને વીઆઇપીના વિધાનસભ્યો પણ સામેલ થયા હતા. કેટલાક અપક્ષ વિધાનસભ્યોએ પણ એનડીએને ટેકો જાહેર કર્યો હતો. ત્યાર બાદ ડેપ્યુટી મુખ્ય પ્રધાન અને નવા કેબિનેટમાં પ્રધાનપદને લઈને રાજનાથ સિંહે નીતીશકુમારની સાથે બેઠક યોજી હતી.