ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં

નવી દિલ્હીઃ પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો. PM 2.5નો સરેરાશ સ્તર 450થી ઉપર જતો રહ્યો હતો. એનાથી દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં કેટલીય જગ્યાએ પ્રદૂષણનો સ્તર ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. દિલ્હીના સોનિયા વિહારમાં PM 2.5નો સ્તર 500ની પાર કરી ગયો હતો. પ્રદૂષણને કારણે દિવાળીની પછી સવારે દિલ્હીમાં ગાઢું ધુમ્મસ છવાયેલું રહ્યું અને વિઝિબિલિટી 200-300 મીટરની આસપાસ રહી.

વળી, પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ખૂબ વધી ગયો હતો. પરાળીનું યોગદાન 32 ટકા રહ્યું હતું. એની સાથે હવાની ગતિ ધીમી હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ રહી હતી, કેમ કે આવી સ્થિતિમાં પ્રદૂષણના કણ જમા થાય છે.

દિવાળીની રાતે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં વાયુ ગુણવત્તા PM 2.5નો સ્તર 481, અશોક વિહારમાં 491, IGI એરપોર્ટ વિસ્તારમાં 444, ITOમાં 457 અને લોધી રોડ ક્ષેત્રમાં 414 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે બધા ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીના મોટા ભાગના વિસ્તારમાં PM 2.5નો સ્તર 400થી ઉપર રહ્યો હતો.