નાસિકઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે બજારોમાં ભીડ ઓછી કરવા માટે નાસિક વહીવટી તંત્રએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વહીવટી તંત્રએ બજારમાં પ્રવેશતી દરેક વ્યક્તિ પાસે કલાકદીઠ ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. નાસિકમાં કોરોના કેસો વધે નહીં એ માટે એક નવા દ્રષ્ટિકોણનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે પ્રતિ વ્યક્તિ બજારપ્રવેશ માટે રૂ. પાંચની ટિકિટ જારી કરી રહ્યા છે. આ શહેરને લોકડાઉન લાદવાથી બચાવવાના ભાગરૂપે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ, એમ શહેરના પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે કોરોનાના 27,918 નવા કેસો નોંધાયા હતા અને છેલ્લા 24 કલાકમાં 139નાં મોત થયાં હતાં. રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ લોકોને વાઇરસનું પરીક્ષણ કરાવવાની અપીલ કરી હતી. હોસ્પિટલોમાં ICU વોર્ડ અને ઓક્સિજન બેડ બહુ ઝડપથી ભરાઈ રહ્યા છે, કેમ કે લોકો ખરાબ સ્થિતિમાં હોસ્પિટલોમાં દાખલ થવા આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે જાતે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
રાજ્યના અન્ય એક પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન પરવડે એવું નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અન્ય વિકલ્પો અપનાવવા વિચાર કરી રહ્યા છે.
વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ અને કોવિડ-19ની ટાસ્ક ફોર્સની સાથે એક બેઠકમાં ઠાકરેએ નિર્દેશ આપ્યા હતા કે જો લોકો કોવિડ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન જારી રાખશે તો લોકડાઉન સમાન પ્રતિબંધો માટે લોકોએ તૈયાર રહેવું પડશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યમાં કોરોના કેસો એટલે વધી રહ્યા છે, કેમ કે લોકો માર્ગદર્શિકાનું ગંભીર રીતે પાલન નથી કરી રહ્યા, એટલે લોકડાઉન જેવા કડક પગલાં પર વિચાર કરવાની જરૂર છે.