ઈશરત જહાં એન્કાઉન્ટર-કેસઃ 3-પોલીસ અધિકારી નિર્દોષ જાહેર

નવી દિલ્હી/અમદાવાદઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની અમદાવાદસ્થિત વિશેષ અદાલતે ઈશરત જહાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ત્રણ આરોપી પોલીસ અધિકારીને આજે નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ સીબીઆઈ જજ વી.આર. રાવલે ત્રણેય આરોપી પોલીસ અધિકારીએ આ કેસમાંથી એમને ડિસ્ચાર્જ કરવામાં આવે એ માટે કરેલી અરજીને મંજૂર રાખી છે.

આ ત્રણ પોલીસ અધિકારી છેઃ જી.એલ. સિંઘલ, નિવૃત્ત પોલીસ અધિકારી તરુણ બારોટ અને અનાજુ ચૌધરી. આ ત્રણેય અધિકારી સામેની કોર્ટ કાર્યવાહી પડતી મૂકાઈ હોવા સાથે મુકદ્દમો વ્યવહારિક રીતે સમાપ્ત થયો છે, સિવાય કે સીબીઆઈ એજન્સી આ જ મામલે અપીલમાં જાય તો જ કાર્યવાહી આગળ વધે. 19-વર્ષીય અને મહારાષ્ટ્રના મુંબ્રાની વતની ઈશરત જહાં અને એના સાથીઓનું 2004ની 15 જૂને અમદાવાદની સીમમાં ગુજરાત પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું એ વખતે સિંઘલ ઈન્સ્પેક્ટર જનરલ હતા, બારોટ ડીવાયએસપી હતા અને ચૌધરી સહાયક-સબ ઈન્સ્પેક્ટર હતા.