નવી દિલ્હીઃ ભારતના શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો ઉપયોગ પુરુષો કરતાં મહિલાઓ વધારે કરે છે. વિશ્વ બેન્કના એક અભ્યાસ-અહેવાલમાં જણાવ્યાનુસાર, ભારતમાં મહિલાઓની 84 ટકા યાત્રાઓ જાહેર પરિવહનના સાધનો દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત નોકરી-કામ પર જવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે ચાલીને જતી હોય છે.
વર્લ્ડ બેન્કના આ અહેવાલનો ઉદ્દેશ્ય ભારત સરકારને માર્ગદર્શન આપવાનો છે કે દેશના શહેરોમાં જાહેર પરિવહનના સાધન-સુવિધાઓને કેવી રીતે બનાવવી જોઈએ કે જેથી તે મહિલાઓની જરૂરિયાતોને વધારે સારી રીતે પૂરી કરી શકે, કારણ કે દેશમાં પુરુષો કરતાં મહિલાઓ બસ દ્વારા જવાનું પણ વધારે પસંદ કરતી હોય છે. મહિલાઓ પ્રવાસ કરતી વખતે સસ્તા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. તેઓ વધારે ઝડપીને બદલે ધીમી સ્પીડવાળા ટ્રાન્સપોર્ટ સાધનો પસંદ કરે છે, કારણ કે ફાસ્ટ સ્પીડવાળા સાધનો વધારે મોંઘા હોય છે. જાહેર પરિવહનના સાધનોમાં મહિલાઓની સલામતીના અભાવનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
