વડાપ્રધાન મોદીએ નાગપુરમાં અનેક વિકાસયોજનાઓનું લોકાર્પણ કર્યું

નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. એમણે નાગપુરમાં ‘હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. મહામાર્ગનો આ પટ્ટો 525 કિલોમીટર લાંબો છે, જે નાગપુર શહેર અને એહમદનગરસ્થિત યાત્રાધામ શિર્ડીને જોડે છે.

મહામાર્ગ કુલ 701 કિ.મી. લાંબો છે. તે રૂ. 55,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ સમૃદ્ધિ મહામાર્ગ નાગપુર અને મુંબઈને જોડશે. દેશમાં આ સૌથી લાંબા એક્સપ્રેસવેમાંનો એક બનશે. આ મહામાર્ગ મહારાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થશે.

તે પહેલાં, પીએમ મોદીએ નાગપુર મેટ્રો રેલ યોજનાના પ્રથમ તબક્કાનું પણ ઉદઘાટન કર્યું હતું અને ટિકિટ ખરીદીને મેટ્રો ટ્રેનમાં સફર પણ કરી હતી. એમણે ફ્રીડમ પાર્ક સ્ટેશનથી ખાપરી સુધી સફર કરી હતી. કોચમાં એમણે સ્ટાર્ટ-અપ ક્ષેત્રના અમુક વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકો સાથે સફર કરી હતી અને એમની સાથે વાતચીત પણ કરી હતી. એમણે આ રેલવે પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કર્યું હતું. આ યોજના રૂ. 6,700 કરોડના ખર્ચવાળી છે.

તે પહેલાં મોદીએ નાગપુર અને છત્તીસગઢના બિલાસપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને તે સેવાનું ઉદઘાટન કર્યું હતું. આ દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે. આ અવસરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.