દિવંગત-એક્ટર સુશાંતસિંહવાળો ફ્લેટ લેવા કોઈ તૈયાર નથી

મુંબઈઃ બોલીવુડનો પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની હાઉસિંગ સોસાયટીમાં જે ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો તે ભાડા પર લેવા માટે કોઈ તૈયાર નથી. બોલીવુડ હંગામા ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, એકેય ભાડૂત આ ડુપ્લેક્સ ફ્લેટ ખરીદવા આગળ આવતો નથી. વળી, માલિકે પોતાનો આ ફ્લેટ સેલિબ્રિટી વ્યક્તિઓને ન આપવાનું નક્કી કર્યું છે.

રફીક મરચંટ નામના રીયસ એસ્ટેટ દલાલે ફ્લેટની એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે આ ફ્લેટ પ્રતિ મહિને રૂ. પાંચ લાખના ભાડા માટે ઉપલબ્ધ છે. મરચંટે એમ પણ જણાવ્યું છે કે આ ફ્લેટના માલિક એક બિનનિવાસી ભારતીય છે. તેઓ આ ફ્લેટ સેલિબ્રિટી વ્યક્તિઓને ભાડેથી આપવા માગતા નથી. ભાડૂત તરીકે કોર્પોરેટ ક્ષેત્રની વ્યક્તિઓ તેમની પ્રાથમિકતા છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂત 2020ની 14 જૂને આ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં એમ જણાવ્યું હતું કે સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી. સુશાંતે આ ફ્લેટ 2019ના ડિસેમ્બરમાં પ્રતિ મહિને રૂ. 4.5 લાખના ભાડા પર ખરીદ્યો હતો. કોરોના લોકડાઉનના દિવસોમાં ત્યાં એની સાથે એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી પણ રહેતી હતી. આ ફ્લેટ બાન્દ્રા વેસ્ટમાં કાર્ટર રોડ પર આવ્યો છે. 4-બેડરૂમ અને સાથે ટેરેસ ધરાવતા આ ફ્લેટમાંથી દરિયો જોઈ શકાય છે.

પરંતુ, એના મૃત્યુમાં હત્યાની શંકા જતાં આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે. તદુપરાંત નાણાંકીય ગેરરીતિ અને ડ્રગ્સને લગતી બાબતો પણ ધ્યાનમાં આવ્યા બાદ આ કેસની તપાસમાં અન્ય બે કેન્દ્રીય એજન્સી – એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પણ જોડાઈ છે.