46 જિલ્લાઓમાં 10%થી વધુ પોઝિટિવિટી-રેટઃ કેન્દ્રની ચેતવણી

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે દેશના કેટલાક વિસ્તારોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. દેશના 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધુ પોઝિટિવ દર જોવા મળી રહ્યો છે. કેન્દ્રએ દેશમાં 10 ટકાથી વધુ કોરોના પોઝિટિવિટીવાળા જિલ્લાઓમાં ભીડ રોકવા અને લોકોને સામાજિક અંતર રાખવા સખત નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 10 રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષામાં માલૂમ પડ્યું હતું કે કોરોના કેસોમાં વધારો અને પોઝિટિવિટીમાં પણ વધારો જોવા મળ્યો છે.

કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને મણિપુર- આ 10 રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે. આ સિવાય કેન્દ્ર દ્વારા રાજ્યોને કોરોનાની સામેની લડાઈમાં ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જે જિલ્લાઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે, એમાં લોકોનું ઝડપી રસીકરણ, રસીનો બીજા ડોઝને પ્રાથમિકતા આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. વળી, સંક્રમણને ફેલાતો રોકવા માટે હોમ આઇસોલેટેડ લોકોની અસરકારક અને નિયમિત દેખરેખ સાથે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન PSA પ્લાન્ટ લગાવવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે.

દેશના 46 જિલ્લામાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. 53 જિલ્લા એવા છે, જ્યાં પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી 10 ટકા છે. આ 10 રાજ્યોમાં 80 ટકાથી વધુ સક્રિય મામલા હોમ આઇસોલેશનમાં છે. આ કેસો પર અસરકારક અને સખત દેખરેખ રાખવાની જરૂર છે, જેથી સંક્રમણ પડોશ, સમુદાય, ગામ અને વોર્ડ વગેરેમાં ન ફેલાય.