કોલકાતાઃ અભિનેતામાંથી નેતા બનેલા મિથુન ચક્રવર્તી અચાનક પશ્ચિમ બંગાળ રાજ્યના રાજકારણમાં ખૂબ જ સક્રિય થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ કર્યો એવો કોઈક ધડાકો કરવાના એ પ્રયત્નમાં હોય એવું લાગે છે. ભાજપમાં સામેલ થયેલા ચક્રવર્તીએ આજે એવો દાવો કર્યો છે કે શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં 38 વિધાનસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે સંપર્કમાં છે. મિથુને કોલકાતામાં ભાજપના કાર્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે, ‘તમને બ્રેકિંગ ન્યૂઝ આપું છું. તૈયાર રહેજો. હાલને તબક્કે ટીએમસીનાં 38 વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે. એમાંના 21 જણ સીધા મારા સંપર્કમાં છે. હવે હું તમારી પર છોડું છું, વિચારજો.’
ઉલ્લેખનીય છે કે, બંગાળ વિધાનસભાની ગત્ ચૂંટણીમાં મમતા બેનરજીનાં નેતૃત્વ હેઠળની ટીએમસી પાર્ટીએ સતત ત્રીજી વાર જીત હાંસલ કરી હતી. ભાજપે ચૂંટણીમાં ટીએમસીને જોરદાર લડત આપી હતી, પરંતુ બેનરજી એમનો ગઢ ટકાવી રાખવામાં સફળ રહ્યાં હતાં.