મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર અને દિગ્દર્શક મહેશ માંજરેકરને મૂત્રાશયના કેન્સરનું નિદાન થયું છે. અહીંની સર હરકીસનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એમણે ગયા અઠવાડિયે સર્જરી કરાવી હતી અને હવે તે એમના ઘેર પાછા ફર્યા છે. માંજરેકરને યૂરિનરી બ્લેડરનું કેન્સર છે. ડોક્ટરોએ એમને સર્જરી કરાવવાની સલાહ આપી હતી અને માંજરેકરે તે કરાવી છે. એ માટે તેઓ થોડાક દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. હવે એમને રજા આપવામાં આવી છે અને તે એમના ઘેર આરામ કરે છે. 63 વર્ષીય માંજરેકરે માત્ર એટલું જ કહ્યું છે કે, ‘હા, મેં ઓપરેશન કરાવ્યું હતું અને હવે મારી તબિયત સુધારા પર છે. થોડા જ અઠવાડિયામાં હું ફિટ થઈ જઈશ. હાલ હું મારી બીમારી વિશે વધારે વાત કરવા માગતો નથી.’
મહેશ માંજરેકર ‘વાસ્તવ,’ ‘અસ્તિત્વ’, ‘વિરુદ્ધ’ ફિલ્મો બનાવી હતી. સલમાન ખાન અભિનીત આગામી ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ ફિલ્મ પણ એ બનાવી રહ્યા છે. માંજરેકર ‘કાંટે’, ‘દબંગ’, ‘મુસાફિર’, ‘જિંદા’, ‘વોન્ટેડ’, ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘ઓ માય ગોડ’ સહિત અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. ઘણી મરાઠી ફિલ્મોમાં પણ એમના અભિનયની પ્રશંસા થઈ છે. એમણે કેટલીક મરાઠી ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યું છે.