વોટ્સએપ-ગ્રુપની મદદથી તામિલનાડુ પોલીસે લાપતા બાળકને બચાવ્યો

ચેન્નાઈઃ તામિલનાડુ પોલીસે ગઈ કાલે અહીંથી લગભગ 20 કિ.મી. દૂર આવેલા પલ્લવરમ વિસ્તારમાં ફરિયાદ મળ્યાના પાંચ કલાકમાં જ એક વોટ્સએપ ગ્રુપની મદદથી ચાર-વર્ષના એક બાળકનો પતો લગાવ્યો હતો. એન્ગસ નામનો તે છોકરો ગઈ કાલે બપોરે એના ઘરની બહાર રમતો હતો. લગભગ એકાદ વાગ્યે જ્યારે એના માતા-પિતા બહાર જોવા નીકળ્યા ત્યારે એ દેખાયો નહોતો. છોકરાના પિતા રાજકુમાર રામે તરત જ પોલીસને જાણ કરી હતી.

પોલીસો તરત જ એમના ઘેર પહોંચ્યા હતા અને બાળક વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ એમણે ઘરની આજુબાજુ ગોઠવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. પોલીસે બાળકની તસવીરો તમામ પડોશી પોલીસ સ્ટેશનોને મોકલી હતી. પોલીસે વોટ્સએપ ગ્રુપમાં પણ બાળકની તસવીર પોસ્ટ કરી હતી. પોલીસ પાસે અનેક વોટ્સએપ ગ્રુપ છે જેમાં વિદ્યાર્થીઓ, ટેક્સી અને ઓટોરિક્ષા ચાલકો અને ફેરિયાઓ સામેલ છે. તરત જ એમાંના એક વોટ્સએપ ગ્રુપ પર બાળક વિશે અપડેટ મળ્યું હતું. સાંજે લગભગ છ વાગ્યે એક સૂત્ર તરફથી બાળકને એની તસવીર સાથે માહિતી મળી હતી. તરત જ પોલીસો ત્યાં પહોંચી ગયા હતા અને બાળકને બચાવીને એમના માતાપિતાને સુપરત કર્યો હતો.