કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. રક્ષાબંધન પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના સેલરીમાં નોંધપાત્ર વધારો થયો છે. રક્ષાબંધન પછી અને દશેરા પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં ફરી વધારો થશે. આવનારી તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી જશે. કેન્દ્ર સરકાર તહેવારોની સીઝનમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો કરે એવી શક્યતા છે.  

કેન્દ્ર સરકારે એક જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાં 11 ટકાનો વધારો કરીને 17થી 28 ટકા કર્યું હતું. એક જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 28 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જુલાઈ સેલરીની સાથે એની ચુકવણી શરૂ થઈ છે.

અહેવાલ મળી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થું (DA)  જારી કરી શકે છે. વળી, આવતા મહિને સપ્ટેમ્બરમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DAમાં ત્રણ ટકાનો વધારો કરે એવી શક્યતા છે. જેથી આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધીને 31 ટકાએ પહોંચશે.

CM સેક્રેટરી (સ્ટાફ સાઇડ) શિવ ગોપાલ મિશ્રનું કહેવું છે કે સરકાર ટૂંક સમયમાં આની જાહેરાત કરશે. જેથી સરકારી કર્મચારીઓની સેલરીમાં સારોએવો વધારો થશે.

કેન્દ્ર સરકારે DA વધાર્યા પછી કેન્દ્રીય કર્મચારીઓને મળનારા હાઉસ રેન્ટ- HRAને પણ વધાર્યું છે. સરકારે HRA વધારીને 27 ટકા કરી દીધું છે.

નાણાં મંત્રાલયના આદેશ મુજબ હવે કન્દ્રીય કર્મચારીઓને તેમના શહેરને હિસાબે 27 ટકા, 18 ટકા અને નવ ટકા હાઉસ રેન્ટ અલાઉન્સ મળશે. હાલ ત્રણે ક્લાસ માટે 24 ટકા, 16 ટકા અને આઠ ટકા છે.