મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડી સરકારની ત્રણમાંની એક પાર્ટી, શિવસેનાના પ્રમુખે એમના વરિષ્ઠ સહયોગી અને નગરવિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવાના સંદર્ભમાં આજે ફેસબુક લાઈવ મારફત કરેલા સંબોધનમાં બળવાખોરોને લાગણીસભર આવાહન કર્યું હતું કે, મારા વિશે જો તમને કોઈ નારાજગી હોય, મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરે ન જોઈએ એવું જો તમે ઈચ્છતા હો તો મુંબઈ આવીને કહો. હું રાજીનામું આપી દઈશ. હું રાજીનામાનો પત્ર લખીને તૈયાર રાખું છું. તમે જાતે જ મારી પાસેથી એ લઈને રાજ્યપાલ પાસે જજો. જો શિવસૈનિકોને એવું લાગતું હોય કે હું પક્ષનું સંચાલન કરવામાં લાયક નથી, તો હું પક્ષપ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.
ઠાકરેએ કહ્યું કે, શિવસેના પાર્ટીએ હિન્દુત્વ ક્યારેય છોડ્યું નથી. હિન્દુત્વના ટેકામાં વિધાનસભામાં બોલનારો હું કદાચ પહેલો જ મુખ્ય પ્રધાન છું. તો આ શિવસેના કોની છે? આ બાળાસાહેબ ઠાકરેએ રચેલી જ શિવસેના છે. મને પ્રશાસનનો કોઈ અનુભવ નહોતો તે છતાં મારી પર આવી પડેલી જવાબદારી નિભાવવા માટે મેં મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું છે.