ગુવાહાટી/મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ફેસબુક લાઈવ મારફત સંવાદ કર્યો તે છતાં એમની પાર્ટીના વધુ વિધાનસભ્યો વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેના જૂથમાં સામેલ થયા છે. આને કારણે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બનેલી સંયુક્ત સરકાર (મહાવિકાસ આઘાડી સરકાર) માટે મુસીબત વધી ગઈ છે. શિવસેનાના 6 વિધાનસભ્યો ‘નોટ રિચેબલ’ થયા બાદ 3 વિધાનસભ્યો ગુવાહાટી જઈને શિંદેના જૂથમાં સામેલ થયા છે.
બીજી બાજુ, ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદ છોડી દેવાની ગઈ કાલે રાતે તૈયારી બતાવ્યા બાદ એ દિશામાં આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. ગઈ કાલે રાતે જ તેઓ દક્ષિણ મુંબઈના ચર્નીરોડ ઉપનગરના મલબાર હિલ વિસ્તારમાં આવેલા મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માંથી રવાના થઈ ગયા હતા અને બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં આવેલા એમના પારિવારિક નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે જતા રહ્યા છે.
શિંદે જૂથ આજે સવારે 10 વાગ્યે ગુવાહાટીમાં રેડિસન બ્લૂ હોટેલ ખાતે બેઠક કરશે. શિંદેનો દાવો છે કે એમને શિવસેનાના 40 વિધાનસભ્યોનો ટેકો છે. એમની માગણી છે કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપે સાથે મળીને સરકાર બનાવવી જોઈએ. શિંદે ટૂંક સમયમાં જ પોતાના સમર્થનવાળા વિધાનસભ્યોના નામ સાથેનો પત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીને સુપરત કરશે.