વડાપ્રધાન મોદી અંગે ખિસ્સાકાતરુના નિવેદન મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ

મહારાષ્ટ્ર: વડાપ્રધાન મોદી અંગે ખિસ્સાકાતરુ વાળા નિવેદન મામલે ભાજપના મહારાષ્ટ્ર યૂનિટે રાહુલ ગાંધી વિરુદ્ધ રાજ્ય ચૂંટણી કાર્યાલય ખાતે ફરિયાદ નોંધાવી છે. ભાજપ તરફથી જાહેર કરાયેલ એક પ્રેસ રિલિઝ અનુસાર ભાજપે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીએ આદર્શ આચાર સંહિતા અને જન પ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન કર્યુ.

રાહુલ ગાંધીએ મંગળવારે યવતમાલમાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીને કેટલાક ઉદ્યોગપતિઓના ‘ભોંપૂ’ ગણાવતા કહ્યું હતુ કે, તેમની રણનીતિ ખિસ્સા કાતરુ જેવી છે, જે ચોરી કરતા પહેલા લોકોનું ધ્યાન ભટકાવી દે છે.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે યોજનાર વિધાનસભા ચૂંટણી પહેલા યવતમાલ જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન ચંદ્ર અને જમ્મુ કશ્મીરના મુદ્દે ભાષણો આપી રહ્યા છે પણ ખેડૂતો અને બેરોજગારી જેવા મુદ્દાઓ અંગે મૌન સેવી લે છે. તેમણે દાવો કર્યો કે, GST અને નોટબંધીએ નાના અને મધ્યમ ઉદ્યમીઓ, ખેડૂતો, મજૂરો અને ગરીબ લોકોની કમર તોડી નાંખી છે. જ્યાં સુધી મોદી સરકાર સત્તા પર છે, બેરોજગારોની સમસ્યા દેશમાં સતત વધતી રહેશે. આગામી 6 મહિનામાં બેરોજગારોની સમસ્યામાં હજુ પણ વધારો થશે.