અમદાવાદઃ રાંધણગેસના બાટલામાંથી ગેસ ચોરીનું કૌભાંડ પકડાયું…..

અમદાવાદ: ઘણાં ઘરોમાં રાંધણગેસ સિલિંડરથી રસોઇ થતી હોય છે. કેટલીકવાર પરિવારો પોતાના ઘરમાં આવતા ગેસના બાટલાંમાં ગેસ ઓછો હોવાની બુમરાણ કરતા હોય છે. આ રાંધણગેસના બાટલા કેટલાક તત્વો નોઝલ ભરાવી અન્ય બાટલામાં ભરી ચોરીઓ કરતાં હોય છે. અમદાવાદ પશ્ચિમમાં ગેસ ચોરીનો  આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાણક્યપુરીની નજીક આવેલી ગેસના બાટલા ગ્રાહકો સુધી પહોંચાડતી  હરસિધ્ધિ ગેસ એજન્સીનું બાટલામાંથી ગેસ કાઢી લેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારની સબસીડી વાળા રાંધણ ગેસના ભરેલ બોટલોમાં નોઝલ વડે ખાલી બોટલમાં ગેસ ભરી ગ્રાહકો સાથે છેતરપીંડી કરી  વેચાણ કરતા લોકોને સોલા પોલીસે ઝડપી પાડ્યા છે.  પોલીસે ભરેલી અને ખાલી બોટલો, રીક્ષા સહિતનો 2.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

સોલા પોલીસને બાતમી મળી હતી કે ચાણક્યપુરી સેકટર 3માં ચેહરનગરની ચાલી પાસે કેટલાક લોકો ગેસની ચોરી કરે છે જેના આધારે ટીમે દરોડો પાડી..કાળુભાઇ દેવાભાઇ મકવાણા , દિનેશભાઇ ખેંગારભાઇ પરમાર બન્ને રહે.રામાપિરનો ટેકરો જુના વાડજ), ખેંગારભાઇ મફાભાઇ આશાપુરા, ભાવેશભાઇ વક્તાભાઇ આશાપુરા બન્ને રહે.ચાંદલોડીયા રેલવે સ્ટેશન પાસે કાચા છાપરામાં ચાંદલોડીયા) અને  હરસિધ્ધી ગેસ સર્વીસ એજન્સીના માલીક મુળરાજસિંહ પરમારને ઝડપી લીધા હતા.

આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી..  એમના જણાવ્યા હરસિદ્ધિ ગેસ એજન્સી દ્વારા ગેસના બાટલા ગ્રાહકોના ઘરે પહોંચાડવા સુધીની સર્વિસ આપવામાં આવે છે. પરંતુ એમના દ્વારા ભરેલા બાટલાંનું સીલ ખોલી નોઝલ વડે ભરેલામાંથી થોડો થોડો ગેસ બીજા બાટલાઓમાં ભરી દેવામાં આવતો હતો. જેના કારણે ગ્રાહકોને ઓછો ગેસ મળતો. પોલીસે 55 ભરેલા અને 9 ખાલી બાટલાં, ટેમ્પો, નોઝલો સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]