સુનાવણી પછી અયોધ્યામાં સુરક્ષા વધારાઈઃ તંત્ર એલર્ટ

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સુરક્ષિત હોવાની સાથે જ અયોધ્યામાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસે ગઈકાલે અયોધ્યામાં ફ્લેગ માર્ચ કાઢી હતી. સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. સતત ચાલીસ દિવસ સુધી ચાલેલી દેશના ઈતિહાસની બીજી સૌથી લાંબી સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો. નિર્ણય 17 નવેમ્બર સુધી આવી શકે છે. તો અયોધ્યા પર મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપી દીધો. સુત્રો અનુસાર સુન્ની વક્ફ બોર્ડ વિવાદિત જમીન પર દાવો છોડવા તૈયાર છે. સુન્ની વક્ફ બોર્ડ બીજી જગ્યાએ મસ્જિદ બનાવવા રાજી થઈ ગયું છે.

નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યા બાદ અયોધ્યામાં દરેક જગ્યાએ પોલીસ બેરિયર લગાવી દેવામાં આવ્યા છે. ગાડીઓને રોકીને લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય અહીં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ દિવાળી મનાવવા માટે આવવાના છે, ત્યારે સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. યૂપીના ડીજીપી ઓ.પી.સિંહનું કહેવું છે કે સુરક્ષાની વ્યવસ્થા વ્યાપક હશે. ગત વખતે અમે લોકોએ કર્યું હતું. કારણ કે આ વર્ષે વિશાળ સ્તર પર કરવામાં આવી રહ્યું છે. પૂર્ણ વ્યવસ્થા હશે. પેરા મિલિટ્રી ફોર્સ, પીએસી, પોલીસ તમામની વ્યવસ્થા હશે. અયોધ્યામાં સુરક્ષાની ચકાસણી કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ, ડીજીપી, એડિશનલ ચીફ સેક્રેટરીએ અયોધ્યાનો પ્રવાસ કર્યો છે.

સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના સપ્ટેમ્બર 2010 ના નિર્ણય વિરુદ્ધ દાખલ અપીલો પર છ ઓગસ્ટથી રોજ 40 દિવસ સુધી સુનાવણી કરી. આ દરમિયાન વિભિન્ન પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી. સંવિધાન પીઠે આ મામલે સુનાવણી પૂરી કરતા સંબંધિત પક્ષોને મોલ્ડિંગ ઓફ રિલીફના મુદ્દે લેખિત દલીલ દાખલ કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો. આ મામલે દશેરા બાદ 14 ઓક્ટોબરથી અંતિમ ચરણની સુનાવણી શરુ થઈ.

કોર્ટના પહેલાના કાર્યક્રમ અંતર્ગત આ સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી કરવામાં આવવાની હતી. જો કે 14 ઓક્ટોબરના રોજ સુનાવણી શરુ થવા પર કોર્ટે કહ્યું કે આ 17 ઓક્ટોબરના રોજ પૂરી કરવામાં આવશે. પરંતુ 15 ઓક્ટોબરના રોજ પીઠે આ સમયસીમા ઘટાડીને 16 ઓક્ટોબરના રોજ કરી હતી.  રાજનૌતિક દ્રષ્ટીથી સંવેદનશીલ આ મુદ્દે 17 નવેમ્બર પહેલા જ નિર્ણય આવવાની અપેક્ષા છે, કારણે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ આ દિવસે રિટાયર થઈ રહ્યા છે.