નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યાનાથનાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી સત્તામાં પરત ફરવાની શક્યતા વધી ગઈ છે. પ્રારંભિક ચૂંટણી પરિણામોનાં વલણોથી ભાજપ પૂર્ણ બહુમતના આંકડાથી ઘણો આગળ ચાલી રહ્યો છે. આ સાથે પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોમાં ભાજપ ચાર રાજ્યોમાં સત્તા વાપસી કરી રહ્યો છે, જ્યારે પંજાબમાં આપની સુનામી ચાલી રહી છે. પંજાબે આપનું ‘માન’ રાખ્યું છે અને UP, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ફરી કમલ ખીલ્યું છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ 403 બેઠકોમાંથી 267 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, પંજાબમાં 117 બેઠકોમાંથી આપ 90 બેઠકો પર આગળ ચાલી રહી છે. ઉત્તરાખંડમાં 70 બેઠકોમાંથી 42 પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. મણિપુરમાં 60 બેઠકોમાંથી ભાજપ 29 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે ગોવામાં 40 બેઠકોમાંથી ભાજપ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપને બમ્પર બહુમત તરફ આગળ વધી રહ્યો છે. ભાજપ આ છ મોટાં કારણથી જીત મળી છે. યુપીમાં કાનૂન વ્યવસ્થા, ખેડૂતોનાં દેવાં માફીની યોજના, 24 કલાક વીજ અને ખાડામુક્ત રસ્તા, એન્ટિ રોમિયો સ્કવોડ, ગેરકાયદે કતલખાનાં પર આકરી કાર્યવાહી અને યોગી મોદીની જોડીને જનતાનો ટેકો મળ્યો છે.
બીજી બાજુ પંજાબમાં આપનું ક્લીન સ્વિપ જોતાં આપના મુખ્ય પ્રધાનના ઉમેદવાર ભગવંત માને કહ્યું હતું કે 70 વર્ષ જૂની ગંદકી સાફ કરશે ઝાડુ. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો માટેની મત ગણતરી હજી જારી છે.