ભગવંત માન શહીદ ભગતસિંહના ગામમાં શપથ-ગ્રહણ કરશે

ચંડીગઢઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે અને ભગવંત માન રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે. માને કહ્યું છે કે તેઓ પાટનગર ચંડીગઢસ્થિત રાજભવનમાં નહીં, પરંતુ શહીદ ભગતસિંહના પૂર્વજોના ગામ ખટકરકલાંમાં હોદ્દાના શપથ ગ્રહણ કરશે. માન આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ એકમના પ્રમુખ પણ છે. એ સંગરુર જિલ્લાના ધુરી શહેરમાંથી 58,206 મતના માર્જિનથી વિજયી થયા છે. તેમણે કોંગ્રેસના વર્તમાન વિધાનસભ્ય દલવીરસિંહ ગોલ્ડીને પરાજય આપ્યો છે. પંજાબના ઈતિહાસમાં આ પહેલી જ વાર બિન-શિરોમણી અકાલી દળ અને બિન-કોંગ્રેસ સરકાર સત્તા પર આવી છે. માને જાહેરાત કરી છે કે રાજ્યમાં કોઈ પણ સરકારી કચેરીમાં મુખ્ય પ્રધાનની તસવીર રાખવામાં નહીં આવે. એની બદલે શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો રાખવાની રહેશે. ભગવંત માન 2014 બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પંજાબમાંથી ચૂંટાઈ આવ્યા હતા. એ ભૂતપૂર્વ એક્ટર-કોમેડિયન છે.

રાજ્યના વિદાય લેનાર મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્ની (કોંગ્રેસ) બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા – ચમકૌર સાહિબ અને ભદૌર, અને બંને પરથી હારી ગયા છે. એવી જ રીતે, કોંગ્રેસના પંજાબ પ્રદેશ સમિતિના વડા નવજોત સિંહ સિધુ પણ હારી ગયા છે (અમૃતસર પૂર્વ).