ભાજપમાં સામેલ થયેલા સંદીપ પાઠક વિરુદ્ધ FIR: થશે ધરપકડ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) છોડીને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે FIR નોંધવામાં આવી છે. સંદીપ પાઠક સામે આ કાર્યવાહી પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ નોંધાયેલી બંને FIR બિનજામીનપાત્ર કલમો હેઠળ છે. આવી સ્થિતિમાં હવે તેમની ધરપકડનો ખતરો ઊભો થયો છે. આ દરમિયાન સંદીપ પાઠક દિલ્હીમાં આવેલા પોતાના ઘરેથી તાત્કાલિક નીકળતા જોવા મળ્યા હતા. લગભગ આઠ દિવસ પહેલાં રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા.

આ દરમિયાન સંદીપ પાઠકની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું હતું કે મને આવી કોઈ FIR અંગે માહિતી નથી અને કોઈ પોલીસ અધિકારીએ પણ મને આ અંગે જાણ કરી નથી. મેં મારી આખી જિંદગી ઈમાનદારી અને નિષ્ઠા સાથે દેશની સેવા કરી છે. ભારત કોઈ પણ પાર્ટી કરતાં મોટું છે. હું ક્યારેય દેશ સાથે દગો નહીં કરું અને કોઈને એવું કરવા નહીં દઉં.

તેમણે આગળ કહ્યું હતું કે જો મારા જેવી વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ થઈ છે, તો તે માત્ર તેમની ભયભાવનાને દર્શાવે છે. હું આ અંગે વધુ કંઈ કહેવા માગતો નથી.

બીજી તરફ, પંજાબ પોલીસ તેમની ધરપકડ માટે દિલ્હીમાં આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે હજી સુધી પોલીસ અથવા સંબંધિત એજન્સીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. કહેવાય છે કે આ મામલો જાહેર થવા પહેલાં જ સંદીપ પાઠક પોતાના ઘરેથી નીકળી ગયા હતા.

આ પહેલા ઉદ્યોગપતિ રાજિંદર ગુપ્તા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PPCB) દ્વારા તાજેતરમાં તેમની ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતાં ચોથી મે સુધી કાર્યવાહી પર રોક લગાવવામાં આવી છે.

24 એપ્રિલે આમ આદમી પાર્ટીના સાત રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા અને વિલયને મંજૂરી મળ્યા બાદ હવે AAP પાસે માત્ર ત્રણ સાંસદો બાકી રહ્યા છે.