ભગવાનને જ નક્કી કરવા દો કે તમારા માટે સારું શું છે!

એક દિવસ મારા મિત્રે મને પૂછ્યું, “ગૌરવ, તને નવાં ગીત ગમે કે જૂનાં?” મેં તરત જ જવાબ આપ્યો, “મને ‘સા રે ગ મ પ ધ નિ’ સૂરથી બનતાં બધાં જ ગીત ગમે. ” મારી વાત સાંભળીને પહેલાં તો એને આશ્ચર્ય થયું, પરંતુ પછી એણે કહ્યું, “મારાં બાળકો સામે તું ચતુરાઈથી જવાબ આપી રહ્યો છે.”

ખરું પૂછો તો મારો જવાબ સહજ હતો, એમાં ક્યાંય ચતુરાઈ કે મુત્સદ્દીપણું ન હતું. મને તમામ પ્રકારનું ગાયન અને ગીતો ગમે છે. કોઈ એક પ્રકાર પ્રત્યે મને વિશેષ લગાવ નથી. બીજું એ કે મારા મૂડના આધારે મારી પસંદગી બદલાય છે અને ક્યારેક તો હું મારો મૂડ બદલવા માટે સંગીત સાંભળું છું.

જ્યારે આપણે એમ કહીએ કે મને અમુક પ્રકારનું સંગીત ગમે ત્યારે આપણે એ સંગીતના રસિયા મટીને એના ગુલામ બની જઈએ છીએ. ધારો કે “મને જૂનાં ગીત ગમે છે”  એવું હું કહું અને એ જ વખતે કોઈ નવું સરસ મજાનું ગીત યાદ આવે તો મારું મન એ ગીતનો આનંદ માણવા નહીં દે અથવા તો એ મારી પસંદગી બની શકે છે એવું સ્વીકારવામાં મન વચ્ચે આવ્યા કરશે. જૂનાં ગીત માટેની મારી પસંદગી વ્યક્ત કરીને હું ફક્ત જૂનાં ગીત જ સાંભળવાની અપેક્ષા રાખીશ. તમે જ વિચાર કરી જુઓ કે મેં જે કહ્યું હોત તેની અસર મારા મન પર કેવી રીતે પડી હોત. આપણે જ્યારે દુનિયાને કોઈ વાત કહીએ છીએ ત્યારે પોતાની જાતને એટલે કે પોતાના મનને પણ એ વાત કહેતા હોઈએ છીએ. આ રીતે આપણે અપેક્ષાઓ ઊભી કરીએ છીએ અને એના ગુલામ બની જઈએ છીએ.

જો કોઈ વ્યક્તિ કહે કે એને ફક્ત ઠંડા પાણીથી નાહવાનું ગમે છે તો એ ઠંડા પાણીથી નાહવાની ટેવનો ગુલામ બની ગયો કહેવાય. ખરેખર તો કોઈ જોવા નથી આવવાનું કે ફલાણા ભાઈ ઠંડા પાણીથી નહાય છે કે ગરમ પાણીથી, પરંતુ દુનિયાને કહી દીધા બાદ આપણું જ મન ક્લેષની સ્થિતિમાં આવી જશે.

આપણે જે કહીએ અને જે કરીએ એ બન્ને વચ્ચે અંતર આવે ત્યારે ક્લેષ સર્જાય છે. જીવનમાં એવું ઘણી વાર બને છે કે આપણે એક વખત કંઈક કહી દીધા બાદ એ વાતના ગુલામ બની જઈએ છીએ. આ કટારમાં આપણે “મને ચા ગમે છે”, “મને આઇફોન જ પસંદ છે”, “મને ફોર્ચ્યુનર ગાડી જ ગમે”, વગેરે જેવાં અનેક ઉદાહરણની ચર્ચા કરી ચૂક્યા છીએ. જાહેર કરાયેલી પસંદગી સિવાયની કોઈ વસ્તુ મેળવવાનું થાય ત્યારે પોતે કહેલી વાત સાથે વિરોધાભાસ સર્જાય છે.

આથી જ કહેવાનું કે આવી પસંદગીઓ જાહેરાત કરવાનું બંધ કરી દો. આપણા માટે શું સારું છે એ ભગવાનને નક્કી કરવા દો. હકીકતમાં તો આપણે ભગવાન પાસે કંઈ માગવાનું પણ બંધ કરી દેવું જોઈએ, કારણ કે આપણે કોઈ વસ્તુ માગીને ભગવાનને એમની પોતાની પસંદગી પ્રમાણેની વસ્તુ આપણને આપતાં અટકાવી દઈએ છે. એટલું જ નહીં, ભગવાન પાસે માગણી કરીને આપણી અપેક્ષા વધી જાય છે.

કોઈકે એક બાળકને સવાલ કર્યો હતો, “તે ભગવાન પાસે શું માગ્યું?” બાળકે કહ્યું, “મારા માટે શું સારું છે એ મને ખબર નથી. એટલે મેં ભગવાનની સામે આખી બારાખડી બોલી નાખી અને કહ્યું કે મને જેની જરૂર છે એ વસ્તુઓનાં નામ બારાખડીના જે અક્ષર પરથી શરૂ થતાં હોય એ મને આપવા લાગ.”

બાળકો હંમેશાં ખુશ હોય છે, કારણ કે તેઓ વર્તમાનમાં જીવે છે અને ભગવાન સહિત કોઈની પાસેથી કોઈ અપેક્ષા રાખતાં નથી. તેઓ બધું પોતાનાં માતાપિતા પર છોડીને બેઠાં હોય છે. એમના માટે માતાપિતા જ એમના ભગવાન હોય છે.

યોગિક વેલ્થ આપણને ભગવાન પ્રત્યે સમર્પણ કરવાનું શીખવે છે. ભગવાનને જ નક્કી કરવા દો કે તમારા માટે સારું શું છે અને ક્યારે શેની જરૂર છે. તમને શું આપવું છે અને કયા સ્વરૂપે આપવું છે એનો નિર્ણય ભગવાનને જ લેવા દો. આ રીતે વિચારવાથી જીવનમાં શાંતિ આવે છે. એ શાંતિનો આનંદ માણો. શાંતિથી પ્રસન્નતા આવશે. એ પ્રસન્નતાની ક્ષણોમાં તમે કહી શકશો, ‘લાઇફ ઇઝ બ્યૂટીફુલ’.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)