કુલભૂષણ ખરબંદાએ ‘શાકાલ’ નું પાત્ર શાનદાર રીતે ભજવ્યું!

ભારતીય સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ સૌથી સ્ટાઈલિશ, હાઈ-ટેક અને ખતરનાક વિલનની વાત નીકળે ત્યારે ‘શાન’ (1980) ફિલ્મનો ‘શાકાલ’ યાદ ન આવે એવું બની જ ન શકે. કુલભૂષણ ખરબંદાએ ભજવેલું આ પાત્ર માત્ર એક વિલન નહોતું પણ બોલિવૂડમાં વિલનગીરીની વ્યાખ્યા બદલનાર એક સીમાચિહ્ન હતું.

હિન્દી ફિલ્મોમાં 70ના દાયકા સુધી વિલન એટલે જંગલમાં રહેતો ડાકુ અથવા ગામડાનો અત્યાચારી જમીનદાર હતો. પરંતુ નિર્દેશક રમેશ સિપ્પી કંઈક અલગ કરવા માંગતા હતા. ‘શોલે’માં ગબ્બર સિંહ દ્વારા રસ્ટિક વિલનગીરીની પરાકાષ્ઠા બતાવ્યા બાદ તેમણે શાન’ માટે એક એવો વિલન વિચાર્યો જે આધુનિક હોય અને જેનો આતંક તેની લાઠીમાં નહીં પણ તેના મગજમાં હોય.

શાકાલનું પાત્ર હોલિવૂડની જેમ્સ બોન્ડ ફિલ્મોના વિલન પરથી પ્રેરિત હતું. તે એક ટાપુ પર રહેતો ગંજો હતો અને તેની પાસે રિમોટ કંટ્રોલથી ચાલતા અત્યાધુનિક ગેજેટ્સ હતા. ‘શાકાલ’ ના ટેબલની નીચે એક મોટું પાણીનું ટેન્ક હતું જેમાં શાર્ક અને મગર હતા. જે પણ વ્યક્તિ તેને દગો આપે તેને તે સીધો જ બટન દબાવીને શાર્કના મોઢામાં ધકેલી દેતો. આ દ્રશ્યોએ તે સમયે સિનેમા હોલમાં લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

શાકાલના રોલ માટે જ્યારે કલાકારની શોધ ચાલતી હતી ત્યારે ઘણા મોટા નામો ચર્ચામાં હતા. પરંતુ સિપ્પીએ શ્યામ બેનેગલની આર્ટ ફિલ્મોમાં કામ કરતા કુલભૂષણ ખરબંદાને જોયા હતા. કુલભૂષણજી તે સમયે ગંભીર ફિલ્મો માટે જાણીતા હતા. જ્યારે સિપ્પીએ રોલ ઓફર કર્યો ત્યારે કુલભૂષણજી પોતે આશ્ચર્યચકિત હતા. એક આર્ટ ફિલ્મનો કલાકાર આટલા મોટા બજેટની મસાલા ફિલ્મમાં મુખ્ય વિલન બને એ તે સમયના બોલિવૂડ માટે એક મોટો જુગાર હતો.

કુલભૂષણજીએ જણાવ્યું હતું કે તે સમયે તેઓ શ્યામ બેનેગલની ‘નિશાંત’ અને ‘મંથન’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત હતા. જ્યાં અભિનયની શૈલી ખૂબ જ સ્વાભાવિક અને વાસ્તવિક હતી. જ્યારે રમેશ સિપ્પીએ તેમને બોલાવ્યા ત્યારે લાગ્યું કે કદાચ કોઈ નાની-મોટી ચરિત્ર ભૂમિકા હશે. જ્યારે ખબર પડી કે આ તો અમિતાભ બચ્ચન અને શશી કપૂર સામેનો મુખ્ય વિલન છે ત્યારે તેઓ ખરેખર સ્તબ્ધ થઈ ગયા હતા.

એક મુલાકાતમાં કુલભૂષણજીએ કહ્યું હતું કે, ‘મેં રમેશજીને પૂછ્યું પણ હતું કે તમે મને આ રોલ માટે કેમ પસંદ કર્યો? કારણ કે મેં ક્યારેય આવી કમર્શિયલ ફિલ્મમાં વિલનગીરી કરી નહોતી.’ ત્યારે રમેશ સિપ્પીએ તેમને જવાબ આપ્યો હતો કે, ‘તમારી આંખોમાં જે સ્થિરતા અને ગંભીરતા છે તે જ મને શાકાલ માટે જોઈએ છે.’ નિર્દેશકનો આ વિશ્વાસ જોઈને જ તેમણે આ પડકાર સ્વીકાર્યો હતો. તે સમયે હીરો કે વિલન માટે પોતાનું માથું ખરેખર મુંડાવવું એ મોટી વાત હતી. મોટાભાગના લોકો વિગ વાપરતા હતા.

કુલભૂષણજીને લાગ્યું કે જો તેઓ માથું મુંડાવશે તો તેમની આર્ટ ફિલ્મોની ઈમેજને અસર થશે. પરંતુ રમેશ સિપ્પીએ સમજાવ્યું કે ‘શાકાલ’ની ધાક જ તેના આ લુકમાં છે. અંતે પાત્રની જરૂરિયાત સમજીને તેઓ તૈયાર થયા હતા. કુલભૂષણ ખરબંદાએ શાકાલના પાત્રમાં એક સોફિસ્ટિકેશન ઉમેર્યું હતું. તેમના કેટલાક સંવાદો આજે પણ અમર છે: ‘યહ શાકાલ કે હાથ હૈ, જો અપને દુશ્મન કો ખીંચ લેતે હૈ…’ અને ‘શાકાલ કે પાસ હર સવાલ કા જવાબ હૈ…’