કેરળ સહિત અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરાયું

તિરુવનંતપુરમઃ કેરળ સરકારે કોરોના વાઇરસ સંક્રમણના વધતા કેસોને લીધે આઠ મેથી 16મી મે સુધી લોકડાઉન લાદવાનીની જાહેરાત કરી છે. આ ઘોષણા કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કરી છે. બુધવારે કેરળમાં અત્યાર સુધીના સૌથી વધુ 41,953 કોરોના કેસો નોંધાયા હતા. મુખ્ય પ્રધાને કેરળની સ્થિતિને ગંભીર ગણાવી હતી. મુખ્ય પ્રધાને સત્તાવાર ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના વાઇરસની બીજી લહેરને ધ્યાને લઈ 8 મેથી 16 મેની સવારે 6 કલાક સુધી કેરળમાં લોકડાઉન રહેશે.

વોર્ડ સ્તરની સમિતિઓને મજબૂત કરવાનો નિર્દેશ

મુખ્ય પ્રધાન પી. વિજયને અધિકારીઓ સાથે હાલતની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે વોર્ડ સ્તરની સમિતિઓને મજબૂત કરવાના નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે તથા વિસ્તારના મેડિકલ સ્ટુડન્ટ્સને તાત્કાલિક પ્રક્રિયા ટીમમાં સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓની સાથોસાથ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓને આ સમિતિઓ અને ટીમોમાં સામેલ કરવામાં આવશે.

બીજી બાજુ, પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાનપદના શપથ લીધા પછી મમતા બેનરજીએ રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધોનું એલાન કર્યું હતું. તેમણે કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્યમાં લોકલ ટ્રેનો અટકાવી દીધી હતી. તેમણે રાજ્યમાં સરકારી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓની હાજરી રાખવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે ખાનગી ક્ષેત્રને વર્ક ફ્રોમ હોમ કરાવવા માટે કહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં સતત વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને 10 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. હાલ અહીં કોરોના કરફ્યુને 10 મે સુધી સવારે સાત કલાક સુધી વધારવામાં આવ્યો છે. આ સાથે બિહારમાં 15 મે સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે છત્તીસગઢે પણ રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. ઓડિશામાં 19 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે, જ્યારે દિલ્હીમાં 10 મે સુધી તો મહારાષ્ટ્રમાં 15 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.