કોરોના સંક્રમિત RLD-ચીફ ચૌધરી અજિત સિંહનું નિધન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય લોક દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિત સિંહનું નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. તેઓ 20 એપ્રિલે કોરોના સંક્રમિત હતા, જેથી ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પાર્ટીના નેતા અને તેમના પુત્ર જયંત ચૌધરીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘चौधरी साहब नहीं रहे’. વડા પ્રધાને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેઓ કોરોના સંક્રમિત થયા પછી તેમનાં ફેફસાંમાં સંક્રમણ ઝડપથી પ્રસર્યું હતું. મંગળવારે અજિત સિંહની તબિયત વધુ ખરાબ થઈ હતી. સમાજવાદી પાર્ટી દ્વારા તેમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ચૌધરી અજિત સિંહના પરિવારથી લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં શોક સંવેદના દર્શાવે, જેથી બધા સુરક્ષિત રહે. તેમણે કહ્યું હતું કે હાલ દેશ કોરોના રોગચાળાગ્રસ્ત છે. જેથી મારી બધાને વિનંતી છે કે જે તેમને શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય, તેઓ ઘરોમાં રહે. આ ચૌધરી સાહેબ પ્રતિ સારુ સન્માન હશે.  અમે એ પરિવારોને પણ સાંત્વના આપીએ છીએ, જે આ ભયાનક બીમારીથી ત્રસ્ત છે, એમ તેમણે કહ્યું હતું.

છોટે ચૌધરીના નામથી જાણીતા તૌધરી અજિત સિંહ ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર હતા અને તેમની પિતૃક સીટ બાગપતમાંથી સાત વાર તેઓ સંસદસભ્ય રહ્યા હતા.

તેમનો જન્મ 12 ફેબ્રુઆરી, 1939એ મેરઠમાં થયો હતો. તેમણે લખનૌ યુનિવર્સિટી અને IIT ખડગપુર જેવી સંસ્થામાંથી શિક્ષણ લીધું હતું. 1980માં તેઓ પિતા ચરણ સિંહ સાથે પાર્ટી લોક દળમાં સક્રિય થવાના ઉદ્દેશથી અમેરિકાથી ભારત પરત ફર્યા હતા. તેઓ હાલ રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ હતા.