અમને રસી આપો, નહીં તો હડતાળ પર જઈશું: એરઈન્ડિયાના પાઈલટ્સની ધમકી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાના પાઈલટોએ ધમકી આપી છે કે એમને માટે દેશભરમાં કોરોના-પ્રતિરોધક રસીની શિબિરોનું આયોજન કરવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર જશે. પાઈલટોએ આ દર્શાવતો એક પત્ર વહીવટીતંત્રને આપ્યો છે.

પાઈલટોએ સવાલ કર્યો છે કે એર ઈન્ડિયાની મેનેજમેન્ટે 18-44 વર્ષના વયજૂથનાં કર્મચારીઓ માટે રસીકરણ શિબિરો યોજી છે, પરંતુ એમાંથી પાઈલટ્સને શા માટે બાકાત રાખ્યા છે. ડેસ્ક પરનું કામકાજ કરતા અને મોટે ભાગે ઘેરથી જ કામ કરવાનો વિકલ્પ પસંદ કરનાર કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે પોતાનો જાન જોખમમાં મૂકીને અને નાગરિકોની સુખાકારીની કાળજી લઈને જોખમી પર્યાવરણમાં ફરજ બજાવનાર પાઈલટ્સને બાકાત રાખીને વહીવટીતંત્રએ એમની હાંસી ઉડાવી છે. વહીવટીતંત્રના આ વલણથી અમારું અપમાન થયું છે. આ રોગચાળો પાઈલટ્સને પણ શિકાર બનાવે છે. ઘણા ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે અને ઓક્સિજન સિલીન્ડરો મેળવવા માટે ઝઝૂમી રહ્યાં છે. હોસ્પિટલની સારવાર અમારે અમારી રીતે જ કરવી પડે છે. અમને કોઈ વીમાનું રક્ષણ નથી અપાતું અને પગાર કાપીને અપાય છે. અમે રસી વિના અમારા પાઈલટોના જાન જોખમમાં મૂકીને ફરજ ચાલુ રાખી શકીએ એમ નથી.