નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકોનું ઘરથી બહાર જવાનું મુશ્કેલ થઈ ગયું છે. હવામાન વિભાગે કેટલાંક રાજ્યો માટે ‘કોલ્ડ ડે’ વોર્નિંગ જારી કરી છે અને હજી ઠંડી વધવાના અણસાર છે. દિલ્હી, સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોલ્ડ વેવની સંભાવના છે.
આ રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની આગાહી છે. આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં દિવસ અને રાત્રે ભારેથી અતિ ભારે ધુમ્મસ છવાઇ જવાની આગાહી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પાલમ વિસ્તારમાં સવારે આઠ કલાકે વિઝિબિલિટી 50 મીટર નોંધાઇ હતી. જે ભારે ધુમ્મસનો સંકેત આપે છે. ખરાબ વિઝિબિલિટીને કારણે 22 ટ્રેનોની અવર-જવરમાં વિલંબ થયો છે.
હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા-ચંડીગઢ- દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાન તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાન 6થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું.
‘આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. અને ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થશે’ તેમ હવામાન વિભાગે એક્સ પર લખ્યું છે. છથી નવ જાન્યુઆરી સુધી અનેક ચોક્કસ સ્થળોએ સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમી મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામમાં છથી આઠ તારીખ સુધી ધુમ્મસવાળું વાતાવરણ રહેશે.
અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. એક દિવસમાં આશરે 1-2 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. નલિયામાં ઠંડી 10 ડિગ્રીની નીચે ઉતરીને 9 ડિગ્રીએ પહોંચી હતી. સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવના કારણે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા.