ચાર્જશીટમાં ભૂપેશ બઘેલનું નામ આવતાં ભાજપ, કોંગ્રેસ સામસામે

નવી દિલ્હીઃ સટ્ટાબાજી માટે ચર્ચિત મહાદેવ બેટિંગ એપ મામલે EDની ચાર્જશીટમાં છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનું પણ નામ સામેલ છે. આ મામલામાં ધરપકડ કરવામાં આવેલા આરોપી અસીમ દાસે દાવો કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલને બેટિંગ એપના પ્રમોટર્સ તરફથી કુલ રૂ. 508 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે ભૂતપૂર્વ CMએઆ દાવાઓનું ખંડન કર્યું હતું.

મહાદેવ સટ્ટા એપ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલનું નામ આવતાં જ છત્તીસગઢના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આ મામલે બંને પાર્ટીઓના નેતાઓ આમનેસામને આવી ગયા છે. ભાજપે છત્તીસગઢની જનતાના પૈસાને લૂંટવાનો ભૂતપૂર્વ CM પર આરોપ લગાવ્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ એને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું.

છત્તીસગઢના ભાજપના પ્રવક્તા અનુરાગ અગ્રવાલે કહ્યું હતું કે ભૂપેશ બઘેલે છત્તીસગઢના સામાન્ય લોકોના જે રૂ. 508 કરોડ મહાદેવ એપને નામે લૂંટ્યા છે, એનો હિસાબ તમારે જનતાને આપવો પડશે. એ પછી ભલે PSC કૌભાંડ હોય, દારૂ કૌભાંડ હોય અથવા અન્ય.

છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સંચાર પ્રમુખ સુશીલ આનંદ શુકલાએ કહ્યું હતું કે ED તપાસ એજન્સી નહીં બલકે ભાજપ ષડયંત્રકારી એજન્સી બની ગઈ છે. અસીમ દાસેકોર્ટની સામે નિવેદન આપ્યું હતું કે EDએ એના હસ્તાક્ષર કરાવ્યા હતા. હવે એ નિવેદનને ED ખોટું ઠેરવી રહી છે. નિષ્પક્ષ તપાસમાં એ સ્પષ્ટ થઈ જશે કે બઘેલ નિર્દોષ છે.