કેજરીવાલે કોંગ્રેસ-આપ વચ્ચે તિરાડના આપ્યા સંકેત

નવી દિલ્હીઃ પંજાબમાં આપ-કોંગ્રેસની સાથે એકબીજાની વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસની સાથએ ગઠબંધનના ભાવિ માટે CM કેજરીવાલે વિરોધાભાસી નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે કોઈ કાયમી ગઠબંધન નથી. ચોથી જૂન પછી પરિણામો તેમના દાવાની વિરુદ્ધ આવ્યાં તો એ વિપક્ષી ગઠબંધનથી અલગ પણ થઈ શકે છે.

દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે એક ગઠબંધન થયું છે, જ્યારે પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. આવામાં હરિયાણા, દિલ્હી અને ગુજરાતમાં મતદાન થઈ ચૂક્યું છે અને પંજાબમાં પહેલી જૂને મતદાન થવાનું છે.  

અમે કોઈ લગ્ન થોડાં કર્યાં છે. ના તો કોઈ લવ મેરેજ કર્યા છે અને ના તો અરેન્જ મેરેજ. અમે લોકો દેશ બચાવવા માટે ચોથી જૂને ચૂંટણી લડવા સાથે આવ્યા છીએ. અમારું લક્ષ્ય માત્ર ભાજપને હરાવવાનું છે, એમ તેમણે કહ્યું હતું.  ભાજપ પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં તેમણે NCPના બે ટુકડા કર્યા છે અને પાર્ટીનું ચૂંટણીનિશાન પણ છીનવી લીધું છે. જો મોદી ફરીથી સત્તામાં આવ્યા તો દેશના બધા વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં નાખી દેશે.

લોકસભા ચૂંટણીમાં જ્યાં જરૂર હતી, ત્યાં અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસની સાથે ચૂંટણી લડી છે, પણ પંજાબમાં ભાજપનું કોઈ વજૂદ નથી, જેથી અમે પંજાબમાં અલગ-અલગ ચૂંટણી મેદાનમાં છીએ.