કોચ્ચી (કેરળ) – દુનિયાભરમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરાયું છે. એને કારણે અનેક દેશોમાં ઘણા ભારતીય નાગરિકો પણ ફસાઈ ગયા છે. ટાપુરાષ્ટ્ર માલદીવમાં ફસાઈ ગયેલા એવા 698 ભારતીયોને ભારતીય નૌકાદળના જહાજ INS જલશ્વ દ્વારા આજે ભારત લાવવામાં આવ્યા છે.
શુક્રવારે માલદીવના પાટનગર માલેથી રાતે 10 વાગ્યે રવાના થયેલું જહાજ આજે સવારે લગભગ 10 વાગ્યે કોચ્ચી બંદલે આવી પહોંચ્યું હતું. ભારતીયોને ઉગારીને સ્વદેશ પાછા લાવવા માટે જલશ્વ જહાજ ગયા ગુરુવારે માલે પહોંચી ગયું હતું.
સ્વદેશ પાછા ફરેલા ભારતીયોમાં 19 ગર્ભવતી સ્ત્રીઓ પણ છે.
આ તમામ લોકોએ ભારત સરકાર અને ભારતીય નૌકાદળનો આભાર માન્યો છે.
એક પ્રવાસીએ કહ્યું કે અમને દેશમાં પાછા લાવવા બદલ હું કેન્દ્ર સરકાર અને નૌકાદળનો આભાર માનું છું. મને ખાતરી છે કે માલદીવમાં ફસાયેલા અન્ય ભારતીયો પણ ટૂંક સમયમાં જ સ્વદેશ પાછા ફરશે.
એક અન્ય પ્રવાસીએ કહ્યું કે અમે હવે સુરક્ષિત છીએ. સ્ટાફ ખૂબ જ મિત્રતાભર્યો હતો. એમણે અમારી સંપૂર્ણ કાળજી લીધી હતી.