નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ અને કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રાલયે સમન્વિત પ્રયાસ કરીને યૂટ્યૂબ પરની એવી 20 ચેનલો અને બે વેબસાઈટને બ્લોક કરી દેવાનો આદેશ આપ્યો છે જેની પરથી ભારતની વિરુદ્ધ કૂપ્રચારનો ફેલાવો કરાતો હતો અને ઈન્ટરનેટ પર નકલી સમાચાર પ્રસારિત કરાતા હતા.
માહિતી-પ્રસારણ મંત્રાલયે બે આદેશ આપીને ટેલિકોમ વિભાગને આદેશ આપ્યો છે કે જેમના નામ દર્શાવવામાં આવ્યા છે તે યૂટ્યૂબ ચેનલો અને પોર્ટલને બ્લોક કરવાનો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને આદેશ આપે. આ ચેનલો અને વેબસાઈટ પાકિસ્તાનમાંથી સંચાલિત એક સંકલિત કુપ્રચાર નેટવર્કની છે. તેની પરથી કશ્મીર, ભારતીય સેના, ભારતમાંની લઘુમતી કોમો, રામ મંદિર, જનરલ બિપીન રાવત વગેરે સહિત ભારત સંબંધિત અનેક સંવેદનશીલ વિષયો વિશે નકલી સમાચારો ફેલાવવામાં આવતા હતા. આ ચેનલોનો એકત્રિત ગ્રાહકવર્ગ 35 લાખથી વધારે હતો. તેમના વિડિયોને 55 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા હતા. નયા પાકિસ્તાન ગ્રુપની કેટલીક યૂટ્યૂબ ચેનલો પાકિસ્તાની સમાચાર સંસ્થાઓના એન્કરપર્સન દ્વારા સંચાલિત કરાય છે.