યુવતીનાં લગ્નની વય વધારવાના નિર્ણય સામે મૌલવીઓનો વિરોધ

મુઝફ્ફરનગરઃ પ્રસિદ્ધ ઇસ્લામિક મદરેસા દારુલ ઉલૂમ દેવબંદના મૌલવીઓએ યુવતીઓનાં લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના કેન્દ્રના નિર્ણયનો વિરોધ કર્યો છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખાપોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો અને ઘોષણા કરી હતી કે તેઓ આ મુદ્દે ચર્ચા કરવા માટે એક મહા પંચાયત બોલાવશે. દેવબંદના મૌલવીઓએ કહ્યું હતું કે આ નિર્ણય ઉતાવળિયો નિર્ણય છે અને એના પર પુનર્વિચાર કરવામાં આવવો જોઈએ.

જમિયત દાવત ઉલ મુસ્લિમિનના સંરક્ષક ઇશાક ગોરાએ કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર એને કાયદો બનાવવા ઇચ્છે છે તો તેણે બધા ધર્મોના ધર્મગુરુઓથી સલાહ-સમલત કરવી જોઈએ. ભારત એક એવો દેશ છે, જ્યાં લોકો સરકારથી વધુ ધાર્મિક વડાઓના નિર્ણયોનું પાલન કરે છે. આપણી સરકારને કોઈ પણ કાયદો બનાવવાનો અધિકાર છે, પણ યુવતીઓનાં લગ્નની ઉંમર વધાર્યા પછી સરકારે એને લાગુ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. જો તેઓ એને કાયદો બનાવવા ઇચ્છે તો તેઓ આવું કરી શકે છે, પણ જો એક યુવક અને એક યુવતીએ યોગ્ય સમયે લગ્ન નહીં કર્યાં તો તેઓ પાપ આચરી શકે છે. તેમનાં લગ્ન નાની વયે કરી દેવાં જોઈએ.

અનેક ખાપોએ પણ કેન્દ્રનો વિરોધ કરતાં કહ્યું હતું કે એનાથી મહિલાઓની સામે ગુનાઓમાં વધારો થશે  સરકારનો આ નિર્ણય લોકોના ખાનગી જીવનમાં હસ્તક્ષેપ બરાબર છે. માતા-પિતાને તેમની પુત્રીઓનાં લગ્યન કઈ વયે કરવાં એનો અધિકાર હોવો જોઈએ, એમ બલિયા ખાપના પ્રમુખ નરેશ ટિકેતે કહ્યું હતું.